૬૦ વર્ષીય વેપારીને ઢીકાપાટુનો માર મારી માથા સહિત શરીરે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી.
ટંકારા તાલુકાના બંગાવડી ગામે ઉધારમાં રાશન આપવાની ના પાડતાં કરિયાણાના વેપારી ભાયલાલભાઈ કાનાણી પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બંગાવડી ગામે રામદેવપીરના મંદિર સામે ‘અલખધણી’ નામની કરિયાણાની દુકાન ધરાવતા ૬૦ વર્ષીય વેપારી ભાયલાલભાઈ જીવરાજભાઈ કાનાણીએ આરોપી (૧)રાહુલભાઈ સુખલાલ રહે. ટીંબડી ગામે વાઘજીભાઈ દેવરાજભાઈ પટેલની વાડી તા.જોડિયા જી.જામનગર, (૨)રાહુલભાઈ સરખુભાઈ, (૩)બબલુભાઈ નાથુભાઈ અને (૪)અનીલભાઈ રૂમાલસિંગ ત્રણેય રહે. બંગાવડી ગામે પ્રફુલભાઈ શામજીભાઈ મેંદપરાની વાડી તા.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગઈ તા.૧૮ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે આરોપી રાહુલભાઈ સુખલાલ કરિયાણું ઉધારમાં લેવા આવ્યા હતા. ત્યારે વેપારી ભાયલાલભાઈએ ઉધાર આપવાની ના પાડતાં આરોપીએ ગાળો આપી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી વેપારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
જેમાં ભાયલાલભાઈને માથા સહિત શરીરે ઈજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસે વેપારીની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






