ભાડે ઘર રાખી વેપાર કરતા વેપારીના બે ટેબલ પંખા, કુલરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
મોરબીમાં મોચી ચોક વિસ્તારમાં વેપારી દ્વારા ભાડે ઘર રાખી તેમાં મગફળી-પાક બનાવતા હોય ત્યારે મોચી શેરીમાં રહેતા બે શખ્સો આ મગફળી-પાક ચાખવા આવ્યા હોય ત્યારે અવાર નવાર મગફળી ચાખવા આવતા બે શખ્સો પૈકી એકને વેપારી દ્વારા મગફળી-પાક ચાખવાની ના પાડતા ઉશ્કેરાયેલ બંને ઈસમો તથા અન્ય બે ઈસમો એમ ચાર શખ્સો દ્વારા વેપારીને ગાળો આપી લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો અને વેપારીના તૈયાર થઈ રહેલા મગફળી-પાકમાં નુકસાની કરી, ઘરમાં રહેલ બે ટેબલ પંખા, કુલરમાં પણ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો ચાલ્યા ગયા હતા. હાલ પોલીસે વેપારીની ફરિયાદના આધારે ચારેય આરોપી શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના ગ્રીન ચોક દફ્તરી શેરીમાં રહેતા અને મોચી ચોકમાં ભાડે ઘર રાખી મગફળી-પાક બનાવી વેપાર કરતા મનીષભાઈ પ્રેમજીભાઈ સોમાણી ઉવ.૪૭ એ મોરબી સરકારી હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ આરોપી બકા પટેલ, કિશન પટેલ, યશ પટેલ અને વિશાલ પટેલ ચારેય રહે. મોચી શેરીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મનીષભાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ગઈકાલ તા. ૩૧/૧૨ના રોજ રાત્રીના ૮:૩૦ વાગ્યા આસપાસ મનીષભાઈ ઉપરોક્ત ભાડેના ઘરમાં પોતાની માતા તથા ત્રણ માણસોની મદદથી મગફળી-પાક બનાવતા હોય ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓ ત્યાં આવ્યા હતા, જેમાં આરોપી વિશાલ પટેલે મગફળી-પાક ચાખવા આપવાનું કહેતા મનીશભાઈએ તેઓને મગફળી-પાક ચાખવા આપ્યો હતો જ્યારે બકાભાઈ પટેલે પણ મગફળી-પાક ચાખવા આપવાનું કહેતા મનીશભાઈએ તેમને કહ્યું હતું કે તમે અવાર નવાર ચાખવા આવો છો જેથી મનીશભાઈએ બકાભાઈને મગફળી-પાક ચાખવા આપવાની ના પાડતા જે આરોપીઓને સારું ન લાગતા બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈને ગાળો આપી મનીષભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા જે બાદ ચારેય આરોપીઓએ મનીષભાઈ સાથે મારામારી કરી લોખંડના પાઇપ વડે માર મારવા લાગ્યા હતા, બાદમાં તૈયાર થઈ રહેલા મગફળી-પાકમાં નુકસાની કરી બાદ ઘરમાં રહેલ બે પંખા, કુલરમાં તોડફોડ કરી હતી, દરમિયાન મનીશભાઈના માતા અને કામ કરતા માણસોએ વધારે મારથી છોડાવ્યા હતા, ત્યારે ચારેય આરોપીઓએ જતા જતા મનીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરોક્ત ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.