મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઉછીના પૈસા મામલે થયેલા મનદુખના કારણે સામાજિક કાર્યકર પર ચાર શખ્સોએ હુમલો કરી મારમાર્યો હતો. હોકી સ્ટિક વડે માર મારવામાં આવતા ફરીયાદીને ઈજાઓ પહોંચતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગત મુજબ, ફરિયાદી ગૌતમકુમાર શૈલેન્દ્રકુમાર ઝા ઉવ.૩૮ હાલ રહે.પાવન પાર્ક, મોરબી મૂળરહે. બિહારના દરભંગા જીલ્લાના વતનીએ આરોપી હિતેશભાઇ પટેલ રહે.કુમાર ઇન્ડસ્ટ્રીઝ મોરબી-૨, ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદી પોતાના ઓળખીતા કુંદનભાઈ પાસેથી આપેલા હાથ ઉછીના પૈસા વસૂલવા માટે કુમાર ઇન્ડસ્ટ્રીઝ ગયા હતા. ત્યારબાદ પરત ફરી રહ્યાં હતા ત્યારે આરોપી હિતેશભાઈ પટેલ પાસે અગાઉથી ફરીયાદીના મિત્ર વિજયભાઈ સાથે કોઈ મનદુખ હતું, જેનો ખાર રાખી હિતેશભાઈએ ફરીયાદી પર હુમલો કરવાનો કાવતરું કર્યું હતું. તા.૧૩/૧૧ના રોજ લાલપર ગામની સીમ પાસે કેલ્વીન એન્ટરપ્રાઇઝ નજીક જાહેર રોડ પર હિતેશભાઈએ ફરીયાદીને અટકાવી ફોન કરી અન્ય ત્રણ અજાણ્યા શખ્સોને બોલાવ્યા. આ ચારેયે મળીને ફરીયાદીને પકડી રાખી હોકી સ્ટિક વડે બંને પગ, સાથળ અને પીઠ પર માર મારી ઇજાઓ પહોંચાડી. હુમલા દરમિયાન આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે









