માળીયા(મી) હાઇવે પર આવેલ માધવ હોટેલ પાસે બસમાં પૈસા લઈને જઈ રહેલા આંગડિયા કર્મચારીનો ૬૨.૫૦ લાખનો થેલો ગત તા ૪ જૂનના રોજ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા જેથી આંગડિયા કર્મચારી દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ હતી.
જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની સૂચનાથી અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ,એસઓજી તથા માળીયા(મી) પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને મોરબી કચ્છ સહિતના જિલ્લાઓમાં તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓની કોઈ ઓળખ કે કોઈ પણ કડી હાથ લાગી ન હતી અંતે પોલીસને આ ચોરીના ગુનાને અંજામ આપનાર શખ્સો વિશે બાતમી મળી હતી જેમનો એક શખ્સ મધ્યપ્રદેશ ભાગી ગયો હોય જેથી એક ટીમ મધ્યપ્રદેશ મોકલી ને આરોપી સોનુસિંગ નરેશસિંગ પરમાર (રહે.હાલ રાપર મુ.ગોપીગામ તા.અંબાહ જી.મુરેના) વાળાને ઝડપી પાડ્યો હતો ત્યારે બાદ અન્ય આરોપીઓ કરણભા રમેશભા ગઢવી (ઉ.વ.૨૪ રહે માલીવાસ-સમવાસ ,રાપર ) ,ભાવેશ નીતિનભાઈ ઠકકર (ઉ.વ.૨૩ રહે.લોહાણા બજાર ,માંડવી ચોક રાપર),હરિપ્રસાદ ઉર્ફે હરેશ ઇશ્વરદાસ રામાનંદી (ઉ.વ.૨૧ રહે.વાઘેલા વાસ ,માંડવી ચોક,રાપર) વાળાને ઝડપી લેવાયા હતા જ્યારે અન્ય બે આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ તોમર (રહે.હાલ રાપર,મુ.રહે.ગોપીગામ મધ્યપ્રદેશ) અને લાલુ ગાદીપાલ કુશવાહ (રહે.દલગંજન કા પુરા તા.જૌરા મધ્યપ્રદેશ) વાળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આઠ જીવતા કાર્ટૂસ અને પોતાની પાસે બે પિસ્તોલ રાખનાર આરોપીને પકડવો એક પડકાર
અત્રે નોંધનીય છે કે આરોપી કરણભા ગઢવી ,ભાવેશ ઠકકર અને હરિપ્રસાદ ઉર્ફે હરેશ રામાનંદી પોતાનો ભાગ લેવા ઇન્દોર જઈ રહયા હતા ત્યારે અમદાવાદ પાસેથી જ મોરબી પોલીસ દ્વારા તેમને ઝડપી લેવાયા હતા જેમાં આરોપી કરણભા પાસે થી બે દેશી બનાવટની પિસ્તોલ અને ૦૮ જીવતા કાર્ટૂસ મળી આવ્યા હતા.
કયા આરોપીની શુ ભૂમિકા હતી આ ચોરી ને અંજામ આપવામાં
ઝડપાયેલા પૈકી ત્રણ આરોપી કરણભા,ભાવેશ ઠકકર અને હરિપ્રસાદ રામાનંદી મૂળ રાપર ના જ આ ત્રણે આરોપીઓ પૈકી ભાવેશ ઠકકર દ્વારા આંગડિયા કર્મચારી ની હિલચાલ પર દેખરેખ રાખવામાં આવતી અને કરણભા એ આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને આરોપી હરિપ્રસાદ દવારા વાહન ની સગવડ પુરી પાડી હતી અને અન્ય ત્રણ આરોપી સોનુસિંગ, સાગર ઉર્ફે છોટુ અને લાલુ ગોદીરામને ટિપ્સ આપતા હતા અને તેમણે આ ગુનાને અંજામ આપ્યો હતો.જેથી ચોરી માં વપરાયેલ મોટરસાઇકલ GJ 08 CL 6257 કી. રૂ.૩૫,૦૦૦ ,પાંચ મોબાઈલ કી. રૂ. ૨૫,૫૦૦ અને બે દેશી પીસ્ટલ કી. રૂ.૨૦૦૦૦ અને આઠ નંગ જીવતા કાર્ટૂસ કી. રૂ.૮૦૦ સહિત કુલ રૂ. ૮૨,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાય હતા.અને આ અગાઉ પણ છ મહિના પહેલા આરોપીઓ દ્વારા એક વખત આ પ્રકાર ના ગુનાને અંજામ આપવાની કોશિશ કરી હતી જેમાં તેઓ નિષફળ ગયા હતા.
આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી,એન.એચ.ચુડાસમા, માળીયા(મી)પીએસઆઇ બી.ડી.જાડેજા,એ ડી જાડેજા,પેરોલ ફર્લો સ્કોડ,ટેકનીકલ ટીમ અને માળીયા(મી)પોલીસ સ્ટાફ સહિતના જોડાયા હતા.