વાંકાનેરના વઘાસીયા ગામે ખેતીની જમીનના ડખ્ખાનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વઘાસીયા ગામે રહેતા બસીરભાઇ ફતેમામદભાઇ માથકીયા (ઉ.વ.૩૬) એ આરોપીઓ શાંતુભા ખુમાનસિંહ ઝાલા, પ્રદિપસિંહ બળુભા ઝાલા તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૯ના રોજ ફરિયાદીના મોટા બાપુ મહમદભાઇની ખેતીની જમીન વધાસીયા ગામની સીમમા આવેલી છે. આ જમીન છેલ્લા ત્રણ વર્ષથી પડતર પડેલ હોવાથી ફરિયાદીના મોટા બાપુ મહમદભાઇએ આ ખેતીની જમીન ખેડવાનું ફરિયાદીને કહ્યું હતું. આથી, ફરિયાદીએ આ જમીનમા બાવળ જાળા સાફ કરી આ જમીન ખેતીલાયક બનાવી છે.
પરંતુ આરોપીઓએ આ ખેતીની જમીનમા વાવેતર કરવા અને કબ્જો કરવા કોશિષ કરતા ફરિયાદી તથા સાહેદ મહમદભાઇએ આરોપીઓને જમીનમા વાવેતર કરવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખી ફરિયાદી પોતાનુ છોટા હાથી નં- જી.જે-૩૬ ટી ૮૭૦૯ વાળુ લઇ લાદીનો ફેરો કરવા જતા હતા. ત્યારે આરોપીઓએ સાહેદ મહમદભાઇના ખેતરના શેઢા પાસે છોટા હાથી ઉભુ રખાવી ગાળો આપી આરોપીઓએ ફરિયાદીને લાકડી વડે થાપાના ભાગે તથા ડાબા હાથની હથેળીમા પાંચ છ ઘા મારી તથા ફરિયાદીને પકડી રાખી તથા જમીન ઉપર પાડી દઇ ફરિયાદીને ગાલ તથા ચહેરાના ભાગે લાતો મારી મુંઢ ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.