નાના ભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી મોટા ભાઈ-ભાભીને ધોકા પાઇપ વડે માર મરાયો
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની જે હાલ રાજકોટ રહેતા હોય ત્યારે પોતાના ગામ લગ્ન પ્રસંગમાં પતિ પત્ની આવ્યા હોય ત્યારે નાના ભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી ગામના જ ચાર શખ્સોએ દંપતીની કાર આંતરી બંનેને કારમાંથી બહાર ખેંચીને લાકડાના ધોકા, પાઇપ તથા ઢીંકાપાટુનો માર મારી ચારેય શખ્સો નાસી ગયા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ચારેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધારી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ વાંકાનેરના કોઠારીયા ગામના વતની હાલ રાજકોટ કોઠારીયા રોડ સ્થિત સાપલીયા પાર્કમાં રહેતા કેતનભાઈ દિલીપભાઈ કોબીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સંજયભાઇ પ્રેમજીભાઇ મકવાણા, જેરામભાઇ મનજીભાઇ મકવાણા, જયસુખભાઇ રાજુભાઇ મકવાણા, અમિત રાજુભાઇ મકવાણા રહે. તમામ કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે અગાઉ આરોપી જેરામભાઈ મકાવાણાની દીકરી સાથે કેતનભાઈના નાના ભાઈ રાહુલભાઈએ પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતનો ખાર રાખી કેતનભાઈ અને તેમની પત્ની કિરણબેન સંબંધીમાં લગ્ન હોય તેથી બંને પતિ-પત્ની કોઠારીયા ગામ ઇનોવા કાર જીજે-૦૩-ડીએન-૭૯૭૯ લઈને આવ્યા હોય ત્યારે ઉપરોક્ત આરોપી જેરામભાઈ તથા તેના ત્રણ સાથી સહીત કુલ ચાર આરોપીઓએ કેતનભાઈની ઇનોવા કાર આંતરી બંને પતિ-પત્નીને કારમાંથી બળજબરીપૂર્વક ખેંચીને બહાર ઉતારી દઈ લાકડાના ધોકા, પાઇપ તથા ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને કહેતા હતા કે તમારા આખા પરિવારને મારી નાખવો છે. ત્યારે ચારેય શખ્સો દ્વારા દંપતીને આડેધડ બેફામ માર મારી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે કેતનભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપી સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધારી છે.