મોરબી શહેરમાં બે જ્યારે હળવદ અને ટંકારાના લજાઈ ગામે અપમૃત્યુના એક-એક બનાવ એમ અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવ અંગેની પોલીસે અ.મોતની નોંધ રજીસ્ટર કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી વિગતો અનુસાર, હાલ મોરબી સબજેલમાં કેદી ભરતભાઇ વ્રજલાલ પરમાર ઉવ.૬૪ મૂળ જામખંભાળીયાના રહેવાસી હોય જેને ગઇ તા.૦૨/૦૭ ના રોજ બીમારી સબબ પ્રાથમીક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈ તા.૦૭/૦૮ના રોજ ભરતભાઈને ફરજ ઉપર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવ અંગેની વિગતો અનુસાર, મોરબીના શનાળા રોડ ઉમિયાનગર સોસાયટીમાં રામદેવ પેલેસમાં રહેતા નીખીલભાઇ મથુરભાઇ ભાલીયા નામના ૨૫ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાને ઝેરી દવા પી લેતા તેને મોરબીની નકલંક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તા. ૦૫/૦૮ના રોજ વધુ સારવાર અર્થે રાજકોટની સમ્યક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૦૮/૦૮ના રોજ નિખિલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે મોરબી શહેર પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં, હળવદમાં રામદેવપીર મંદિર વાળી શેરીમાં રહેતા સુરજભાઈ કાઠી ઉવ.૪૨ વાળો ગઇ તા.૦૬/૦૮ના રોજ સવારના સમયે પડી જતા શરીરે મુંઢ ઇજા થતા, તેઓ પોતાની જાતે હળવદ સરકારી હોસ્પીટલ સારવારમાં આવેલ હતા. ત્યારે હળવદ સરકારી હોસ્પીટલથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ હોય જ્યાં સારવાર દરમ્યાન તા.૦૭/૦૮ના રોજ સુરજભાઈ કાઠીને ફરજ ઉપર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, જેથી મૃત્યુના બનાવને લઈને હળવદ પોલીસે મૃતક વ્યક્તિની વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરમાં વાવડી રોડ સ્થિત ગાયત્રીનગર શેરી નં.૪ માં રહેતા કલ્પેશભાઇ મનસુખભાઇ બસીયા ઉવ.૩૩ ગઇ તા-૦૪/૦૮ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યા અરસામાં લજાઇ ગામ ખાતે આવેલ મોરબી એન્જીનીયરીંગ વર્કસ નામના કારખાનામાં વેલ્ડીંગ કામ કરતી વખતે પતરા ઉપરથી નીચે પડી જતા તેઓને માથામાં ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે