મોરબી જીલ્લામાં તા.૦૭/૧૨ના રોજ એક જ દિવસમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવોમાં મોરબી અને વાંકાનેર તાલુકામાં ફેક્ટરીમાં અકસ્માતે, તથા પાણીમાં ડૂબી જતા તેમજ ટંકારા તાલુકામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા એમ કુલ ચાર અપમૃત્યુના બનાવો નોંધાતા ચકચાર મચી છે. હાલ તમામ કેસોમાં પોલીસ દ્વારા કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.
મોરબી જીલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર અલગ અલગ બનાવો નોંધાતા વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાઈ છે. પ્રથમ બનાવ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે, જેમાં લીલાપર રોડ પર આવેલી રાધેશ્યામ પેપર મિલમાં કામ કરતો ૧૯ વર્ષીય વિવેક જમાહીરલાલ ચમાર મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળો કામ દરમિયાન મશીનમાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સરકારી હોસ્પિટલ મોરબી લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
બીજો બનાવ પણ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે. લીયોના સીરામિક કારખાનામાં મજૂરી કામ કરતા ૧૮ વર્ષીય સંજયભાઈ રાકેશભાઈ રહે. લેબર ક્વાર્ટર પાવડીયારી કેનાલ વિસ્તારમાં કામ દરમિયાન કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી જતા મશીનમાં ફસાઈ ગયો હતો. જેથી ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં પણ તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળનો તપાસ હાથ ધરી છે.
જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો મુજબ, બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અ.મોત નં. ૮૩/૨૦૨૫ તરીકે નોંધાયો છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય જગદીશભાઈ ઉર્ફે લાલો રાઠોડ ભાયતી ગામની સીમમાં જાંબુડિયા પાસે નદીના કાંઠે ગયા તે સમયે તેમનો પગ લપસી જતા પાણીમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હોવાનું પોલીસે નોંધ્યું છે અને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત ચોથો બનાવ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં ટંકારા તાલુકાના ભુતકોટડા ગામની સીમ વિસ્તારમાં આવેલી સમર્પણ પોલીપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૩ વર્ષીય પરિણીતા હેતલબેન વિનુભાઈ વહોનીયા કોઈ અકળ કારણસર પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ફાંસો ખાઈ લેતા હેતલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ જારી હતી તે દરમિયાન પોલીસે ફેક્ટરીના સુપરવાઈઝર પાસેથી પરિણીતાની પ્રાથમિક વિગતો મેળવતા સામે આવ્યું કે મૃતક હેતલબેનના આશરે પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. હાલ ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









