મોરબી તાલુકા પોલીસ દ્વારા બિલ્ડરો સામે ફરિયાદ લેવાતા, મોરબી પોલીસની કામગીરી અંગે ચોતરફથી પ્રશંસા.
મોરબી તાલુકાના પીપળી ગામે આવેલી માનસધામ સહિતની ચાર સોસાયટીઓમાં જરૂરી પાયાની સુવિધાઓ આપવાની ખાતરી આપ્યા બાદ લાઈટ, પાણી અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ન આપતા ૮ બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરીયાદ મુજબ રહેવાસીઓ સાથે વિશ્વાસઘાત કરી મકાન વેચાણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં આવી અનેકો સોસાયટીમાં બિલ્ડરો દ્વારા આવી છેતરપિંડી થયા અંગેના કેટલાય કિસ્સા સામે આવ્યા છે, પરંતુ હાલ પહેલી વખત બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ લેવામાં આવી છે.
મોરબી તાલુકાના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર ઉવ.૪૪એ, બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ માનસધામ સોસાયટી-૧માં કુલ ૪૫ મકાનો છે તેમજ માનસધામ૨૨, ગોકુલધામ અને ત્રિલોકધામ સોસાયટીઓ મળી આશરે ૩૦૦ જેટલા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ સોસાયટીઓ બિલ્ડર મનીષભાઈ કાલરીયા, ચીંતનભાઈ ગામી, મીહીરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નીલેષભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડીયા, પ્રવિણભાઈ ગામી અને કિશોરભાઈ શેરશીયા દ્વારા બનાવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બિલ્ડરો દ્વારા મકાન વેચતી વખતે પાણી, લાઈટ, રોડ, ગટર, કોમન પ્લોટ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. જેથી ફરિયાદી વિનોદભાઈએ તા. ૯/૧૧/૨૦૨૦ના રોજ માનસધામ સોસાયટી-૧માં મકાન નં. ૦૯ રૂ. ૧૫.૨૧ લાખમાં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદ્યું હતું. સમય જતાં જ્યારે સોસાયટીમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન થઈ, ત્યારે રહીશો પીપળી ગામ પંચાયત પાસે રજુઆત કરવા ગયા હતા. જ્યાં પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું કે સોસાયટીના પ્લોટોના દસ્તાવેજો ગામના નમૂના નં. ૨માં ચડાવ્યા ન હોવાથી પંચાયત તરફથી સુવિધા આપી શકાતી નથી.
પછી રહીશો બિલ્ડરો પાસે રજુઆત કરવા ગયા ત્યારે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો તેમજ દસ્તાવેજોની નકલો પણ આપવામાં આવી ન હતી. આરોપ મુજબ બિલ્ડરો દ્વારા મકાનના નામે પ્લોટના દસ્તાવેજ કરી આપીને રહેવાસીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ફરીયાદીના આધારે આરોપી ૮ બિલ્ડરો સામે મોરબી તાલુકા પોલીસે આઈ.પી.સી. કલમ ૪૨૦ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









