ધુળેટીના દિવસે માથાકૂટ બાદ નળીયા અને ટાઈલ્સથી હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત, બે સામે હત્યા અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો.
મોરબીના રફાળેશ્વર ગામે જમવાના પૈસાની લેતીદેતી બાબતે થયેલી માથાકૂટમાં મિત્રોએ જ મિત્ર પર હુમલો કરતા ૩૩ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બનાવ મામલે પોલીસે બે આરોપીઓ સામે હત્યા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જમવાના પૈસાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં મિત્રોના હાથે મિત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે બે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર હત્યાના બનાવ અંગે ફરિયાદી મૃતકની માતા દયાબેન જગદીશભાઈ ચૌહાણ ઉવ.૫૫ રહે. રફાળેશ્વર ગામે આંબેડકરનગર તા.જી.મોરબી વાળાનો પુત્ર ભરત ઉર્ફે જે.ડી ઉવ.૩૩ ધુળેટીના તહેવારના દિવસે તા.૪ માર્ચે સાંજે પોતાના મિત્રો ગોપાલ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી સાથે રફાળેશ્વર સ્થિત કૈલાશ નળીયાના કારખાનાના ગ્રાઉન્ડમાં બેઠા હતા અને જમવાનો કાર્યક્રમ બનાવતા હતા. આ દરમિયાન જમવાના પૈસા બાબતે ત્રણેય વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં આરોપી ગોપાલે નળીયા વડે ખભાના ભાગે જ્યારે પ્રદીપે ટાઈલ્સના તીક્ષ્ણ ટુકડા વડે પેટના ભાગે ભરત ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત ભરત ઘરે પહોંચી ગયો હતો અને પછી તેની તબિયત બગડતા પરિવારજનોએ તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન ભરત ઉર્ફે જે.ડી.નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકની માતા દયાબેન ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે આરોપી ગોપાલ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી બન્ને રહે.મોરબી વાળા વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૩(૧), ૫૪ તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









