મોરબી ઝૂલતા કેસ સંદર્ભે જેલવાસ ભોગવી રહેલા અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલે જેલમુક્તિ માટે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી છે. જેની આજે સુનાવણી હતી. પરંતુ તેમાં કોઈ ચુકાદો ન આવતા સુનાવણી આગળ ધપાવાઈ છે અને હવે તા.૦૭ ના રોજ સુનાવણી થશે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. ત્યારે એક મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી હતી. જેની આજે સુનાવણી હતી. હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચુકવવા જે આદેશ કરાયો છે. જેના માટે જયસુખ પટેલને બેંકના કામકાજ માટે બહાર નીકળવું પડે તેમ છે. જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી જયસુખ પટેલના સરકારી વકીલે દલીલો કરી હતી. જ્યારે સરકાર તરફી વકીલે કહ્યું કે, જયસુખ પટેલ ત્રણ મહિના ફરાર રહ્યા બાદ એક માસથી જેલ હવાલે છે. છતાં પણ કંપનીનો વહીવટ ચાલે છે. જેથી જયસુખ પટેલને બહાર આવવું જરૂરી નથી. ત્યારે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પણ કોઈ ચુકાદો ન આવતા હવે વચગાળાની જામીન અરજી અંગે આગામી તા.૦૭ માર્ચના રોજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.