IPL ક્રિકેટની મોસમ શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટની સાથે સટ્ટોડીયાઓ પણ હવે બેટિંગ કરવામાં જાણે કે મસ્ત બન્યા હોય તે પ્રકારે ચારે તરફ ક્રિકેટની રમત પર સટ્ટાકાંડ શરૂ થયા છે, ત્યારે મોરબી પોલીસે IPL ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સોને બે અલગ-અલગ સ્થળેથી સટ્ટો રમતા ઝડપી પાડી ફરાર ચાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી હળવદ રોડ પીપળી ગામની સીમ શ્યામ પાર્ક-૨ પાસે એક ઈસમ સટ્ટો રમી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રમેશભાઇ ઉર્ફે કાળુ ચતુરભાઇ માકાસણા (રહે.મોરબી હળવદ રોડ પીપળી ગામની સીમ શ્યામ પાર્ક-૨ તા.જી.મોરબી મુળ રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબી) નામના ઈસમની અટકાયત કરી તેની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ હતું કે, તેણે યોગેશભાઇ વાલજીભાઇ દલવાડી (રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબી) ના કહેવાથી ટેમી ભુપતભાઇ પટેલ (રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી) તથા શામજીભાઇ (રહે.કચ્છ) પાસેથી Diamondexch9.com નામની આઇ.ડી. મેળવી હતી. જેમાં તે TATA IPL માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ ઉ૫ર રન ફેરના તથા મેચની હારજીતના આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી રૂપિયાની હારજીતનો જુગાર રહ્યો હતો. ત્યારે પોલીસે રેઇડ દરમ્યાન આરોપી રમેશભાઇ ઉર્ફે કાળુ પાસેથી રૂ.૫૫૦૦/-ની કિંમતના ૦૨ મોબાઇલ તથા રોકડા રૂ.૧૧૦૦/- મળી કુલ કિ.રૂ.૬૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને ફરાર ત્રણેય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે માળીયા હાઇવે રોડ ઉપર જનકપુરી સોસાયટી મકાન નં.૫૪ સામે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા અમીતભાઇ જીતેંદ્રભાઇ સોલંકી (રહે- જનકપુરી સોસા. ઘર નં.૫૪ મોરબી-માળીયા નેશનલ હાઇવે મોરબી-૨ મુળગામ- કાલરી તા.બહુચરાજી જી.મહેસાણા) નામના ઈસમની અટકાયત કરી મોબાઈલની તપાસ કરતા તે હાલમાં ચાલતા ૨૦-૨૦ મુંબઇ ઇન્ડીયન્સ તથા કોલકત્તા નાઇટ રાઇડર્સ ક્રિકેટ મેચ જોઇ ઓમ કુબાવત નામના આરોપી સાથે ક્રીકેટ મેચ ઉપર રન ફેર તથા થાય નોથાય તે રીતે પૈસાની હારજીતનો જુગાર રમી દાવ લગાડતો હતો. ત્યારે પોલીસે આરોપી પાસેથી રૂ.૭૦૦૦/-ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા આંકડા લખેલ કાગળ તેમજ રોકડ રૂપિયા ૬૪૦/- એમ કુલ રૂ.૭,૬૪૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી.