છેલ્લા ૧૧ દિવસથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન આજે મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને નદીઓમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિધ્નહર્તાના કાર્યમાં આવું વિઘ્ન નિવારવા માટે મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચાર નિયત સ્થળો સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવી હતી અને ગણેશજીની મૂર્તિઓને એકત્ર કરીને આર.ટી.ઓ. કચેરી પાછળ ખાડીમાં નગરપાલિકાના સ્ટાફ તેમજ તરવૈયા અને જેસીબીની મદદથી વિસર્જન કરવામાં આવી હતી. આ માટે પાલિકા દ્વારા ૭૦ જેટલા કર્મચારીઓને જુદી જુદી ફરજ સોંપવામાં આવી હતી.