મોરબીમાં વધુ એક લૂંટારું રીક્ષા ગેંગ સક્રિય થયી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સીરામીક કારખાનામાં મજૂર કામ કરતા યુવકને મકનસર ગામ નજીક અવાવરું સ્થળે લઈ જઈ છરીના માથામાં ઘા મારી મજૂર યુવકના પાકિટમાં રહેલ રોકડ રકમ તથા મોબાઇલની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આપી લૂંટ કરનાર રીક્ષા ચાલક નાસી ગયો હતો. સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ બિહાર રાજ્યના મોઆપખુદ ગામનો વતની હાલ મોરબીના પાવડીયારી ગામે ઇન્ડિકા સેનેટરીમાં રહેતા મુરારીભાઈ સચીતાભાઈ મૈઆર જાતે બ્રાહ્મણ ઉવ.૩૮ ગત તા.૧૭/૦૮ના રોજ સરતાનપર રોડ ઉપર મજુરી કામની શોધ માટે મોરબી ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જતી સી.એન.જી ઓટો રીક્ષામાં બેસી જતા હોય ત્યારે રીક્ષા ચાલક મકનસર ગામ પહેલા જી.ઈ.બી.પાવર હાઉસ પાછળ વોકળાના કાંઠે અવાવરૂ જગ્યાએ મુરારીભાઈને લઈ ગયેલ અને ત્યાં તેમને રીક્ષામાંથી નીચે ઉતારી દેવામાં આવી, કંઈ પણ કહ્યા વગર રીક્ષા ચાલકે પોતાના પેન્ટના નેફામાં રહેલી છરી વડે મુરારીભાઈને માથાના પાછળના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદ મુરારી ભાઈના પેટ ઉપર છરી રાખી તેમના પેન્ટના ખીસ્સામાં રહેલ પાકિટ કાઢી લઈ તેમાંથી રૂ.એક હજારની રોકડ તથા હાથમાંથી મોબાઈલ લુંટી રીક્ષા ચાલક દ્વારા મુરારીભાઈને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર લૂંટના બનાવ બાદ મુરારીભાઈએ આરોપી કાળા વાંકડીયા વાળ ધરાવતા રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ કરનારનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે.