મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનો સંવેદનશીલ નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પુન:લગ્ન કરતી ગંગાસ્વરૂપા મહિલાઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે. જે મુજબ હવેથી ગંગાસ્વરૂપા બહેનોને સમાજમા પુન:સ્થાપિત કરવાના અભિગમ સાથે તેઓ પુન:લગ્ન કરે તો પણ તેમને ‘‘ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના’’ નો લાભ મળવાપાત્ર થશે.
આ યોજના અનુસાર ગંગાસ્વરૂપા મહિલાઓને રૂ. ૫૦ હજારની સહાય જેમાં ૨૫ હજાર બેંક ખાતામાં સીધી સહાય તેમજ ૨૫ હજારનાં રાષ્ટ્રીય બચત પત્રો મળવાપાત્ર રહેશે. આ માટે લાભાર્થી મહિલાઓની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તેમજ લાભાર્થી મહિલા જે પુરૂષ સાથે પુન:લગ્ન કરવા માંગે છે, તે પુરુષની પત્ની હયાત ન હોવી જોઈએ. પુન:લગ્ન કર્યા બાદ છ માસમા જરૂરી આધાર પુરાવા સાથે લાભાર્થી મહિલાએ આ અંગેની અરજી કરવાની રહેશે. આ યોજના માટેનુ અરજીપત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ www.wcd.gujarat.gov.in પરથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથેનું ભરેલુ અરજીપત્રક મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં. ૧, ગાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે જમા કરાવવાનુ રહેશે.