મોરબીના વાવડી રોડ ઉપર ઉકરડા હરીફાઇ યોજી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સોમેયા સોસાયટીના નાકે રોડની બન્ને બાજુએ જ ખુલ્લેઆમ કચરાનો નિકાલ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. ગંદકીના લીધે ઢોર, કૂતરા અને મચ્છરનો ત્રાસ પણ વધતો જોઈ રહ્યો હોવાની સ્થાનિકોમાં રાવ ઉઠવા પામી છે. ત્યારે મોરબી સ્વચ્છતામાં દિન પ્રતિદિન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી રહ્યું હોવાના તમામ દાવા હાલ પોકળ સાબિત થાય તેવી બેફામ ગંદકી વાવડી રોડ ઉપર જોવા મળી રહી છે. જેને લઈ એક જાગૃત નાગરિકે આ કચરાનો ઢગલો સાફ કરાવવા નગરપાલિકા તંત્રને અપીલ કરી ચીમકી ઉચ્ચારી છે.
સોમેયા સોસાયટી ખાતે રહેતા યશભાઈએ જણાવ્યું હતું કે, મોરબીના વાવડી રોડ, સોમેયા સોસાઈટીના નાકે રોડ પર આસપાસના લોકો અને સ્થાનિકો દ્વારા કરવામા આવતી ગંદગી અને આમાં પ્રશાસન અને લોકોની બેદરકારી ખુબ જ મોટાં પ્રમાણમાં દેખાઈ રહી છે. સ્થાનિકો દ્વારા અવાર નવાર આ અંગે તંત્ર અને લોકોને ટકોર કરવામા આવેલ હોવા છતાં કોઈ એક્શન લેવાયા નથી, રોજ સવાર ઉઠી અને સાંજે સુતી વેળાએ આજ કચરો જોવાનો રહેતો હોય છે. અને આજ ગંદવાડામાં ઢોર અને ગૌમાતા પ્લાસ્ટિક અને ગંદવાડો ખોરાક તરીકે લ્યે છે અને હાલત-ચાલતાં એનું ઢોરો નું ટોળું હોય છે લોકોને ચાલવાનો માર્ગ પણ મળતો નથી અને ક્યારેક પશુની લડાઈમાં વાહનો અને હાલત ચાલતાં લોકોને બહોળું નુક્સાન થતું હોય છે. આવાં પ્રશ્નનો દેખાય છે નાના પરંતુ એની અસર મોટી હોય છે. આવા પ્રશ્નોનો કાયમી અને સચોટ ઉકેલ લોકો અને તંત્ર દ્વારા કરવામાં આવે એવી જાગૃત નાગરિક અને જનતા વતી યશભાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સમસ્યાનો નિકાલ નહિ થાય તો આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે.એવી ચીમકી પણ ઉચ્ચારી છે.