“કેન્દ્ર અને ગુજરાત સરકાર એટલે વંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર” મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
મોરબી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જે અન્વયે ૪૪૪.૯૩ કરોડની વિવિધ યોજનાઓના લાભ હેઠળ ૩૩૫૬૮ હજાર લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હતા.ગરીબ કલ્યાણ મેળાને ખરા અર્થમાં વંચિતોનો વિકાસ માટેનો મેળો ગણાવતાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સિરામીક નગરી તરીકે વિશ્વ સ્તરે નામના મેળવેલા મોરબી ખાતે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ગરીબોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સહાય આપવા ૧૩માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર છે. જનધન યોજના હેઠળ ગરીબોને બેંક સાથે જોડ્યા અને આજે તમામ યોજનાઓની સહાય લાભાર્થીઓ સીધી તેમના બેંકના ખાતામાં મેળવી રહ્યા છે. આજે આરોગ્ય, શિક્ષણ કૃષિ તમામ ક્ષેત્રે માળખાગત સુવિધા ઉપલબ્ધ બની છે.વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાઓ દ્વારા યુવાનોને સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. ૨૦૨૪ પહેલા ગુજરાતના તમામ નાગરિકોને ઘરનું ઘર હોય તે સંકલ્પ સાર્થક કરવા માટે છેલ્લા ૫ વર્ષમાં ૫ લાખ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત દરેક તાલુકામાં કિડનીની બીમારી માટે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યા છે જે થકી ગંભીર બીમારીઓમાં પણ સરકાર જરૂરિયાતમંદ લોકોની સાથે છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ હેતુ અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને સંલગ્ન વિવિધ આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે હાલ સમગ્ર રાજ્યમાં ઓકટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળામાં પુરવઠા વિભાગ, ઊર્જા વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, ઉદ્યોગ વિભાગ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, મહિલા અને બાળવિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, લીડ બેંક, વન વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના ૧૭ જેટલા વિભાગો હેઠળ ૩૨૩ જેટલી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે અનેક યોજનાઓ અન્વયે સહાય કિટનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સિદ્ધીઓ વર્ણવતા ‘પંચાયતી રાજની આગેકુચ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદિપ આચાર્ય, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના હંસાબેન પારેધી, મોરબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભવાનભાઈ ભાગિયા, અગ્રણી સર્વે દુર્લભજીભાઇ દેથરિયા, રાઘવજીભાઇ ગડારા, જયુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રભુભાઈ કામરિયા, રાકેશભાઈ કાવર, અરવિંદભાઈ વાંસદડિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.