વાંકાનેરની લુણસર ચોકડી નજીક તાજ કમાન ગેરેજ સંચાલકે પોતાની દુકાનમાંથી કુલ રૂ. ૬૫,૬૯૧/- ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં ગેરેજ સંચાલક રાત્રે દુકાનમાં તેમના કારીગરો સાથે સૂતા હોય તે સમયે અજાણ્યા ચોર ઈસમોએ શટર ખોલી બેગમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે બેગ ગેરેજના પાછળના મેદાનમાં મળી આવી હતી, પણ દાગીના અને રોકડ ગુમ હતા.
વાંકાનેર તાલુકા હસનપર ગામે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કલાબાની તા.બીસોલીના વતની નદીમખાન રઈશખાન પઠાણ ઉવ.૨૨ કે જેઓ વાંકાનેરમાં લુણસર ચોકડી નજીક તાજ કમાન ગેરેજ દુકાન ચલાવતા હોય , ત્યારે તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૨૭ જુલાઈના રોજ રાત્રે ૧૦ વાગ્યે દુકાનનું અડધું શટર બંધ કરીને નદીમભાઈ પોતાના ત્રણ કારીગરો સાથે દુકાનમાં સુતા હતા, ત્યારે વહેલી સવારના ૫.૩૦ થી ૬.૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો શટર ઉંચું કરી, દુકાનની અંદર દિવાલ પર લટકાવેલી બેગ કે જેમાં રોકડા રૂ.૩૦,૭૦૦/-, સોનાની વીંટી કિ.રૂ.૨૦,૧૨૪/- તથા ચાંદીની લક્કી કિ.રૂ.૧૪,૮૬૭/- એમ મળીને કુલ રૂ.૬૫,૬૯૧/- ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. જ્યારે ચોરાયેલ બેગ ગેરેજ પાછળના મેદાનમાં મળી આવી પરંતુ તેમાં રાખેલ દાગીના અને રોકડ ગાયબ હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી ચોરીના બનાવ અંગે તપાસની તજવીજ શરૂ કરી છે.