ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝૂંટવી ચીલઝડપ કરનાર આરોપીને મોરબી એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચીલઝડપ કરનાર આરોપી તથા ચોરાયેલ દાગીનાનો ઢાળિયો બનાવી વેચનાર ઇસમને કુલ રૂ.6.81 લાખના 100 ટકા મુદામાલ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 04/02/2026ના રોજ બપોરે આશરે 12:15 વાગ્યે ફરિયાદી ધુનાબેન હકાભાઈ ગમારા ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે મિતાણા ઓવરબ્રિજ પાસે અજાણ્યા બાઈક સવાર વ્યક્તિએ ગળામાં પહેરેલો અંદાજે પાંચ તોલાનો સોનાનો હારનો ભાગ ઝૂંટવી લીધો હતો. ચોરાયેલ દાગીનાની અંદાજિત કિંમત રૂ.1.25 લાખ હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0079/2026 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી એલ.સી.બી.ની ટીમે સી.સી.ટી.વી. ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી સંદીપભાઈ જીતેન્દ્રભાઈ પંડયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપી હતી. તેમજ તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ ચીલઝડપ કરીને મેળવેલો સોનાનો હાર રાજકોટના શ્રીકાંતભાઈ હેમંતભાઈ સોનીને આપી તેનો ઢાળિયો બનાવી વેચી દીધો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 23.660 ગ્રામનો 22 કેરેટ સોનાનો ઢાળિયો રૂ.3,31,000, રોકડા રૂ.3,00,000 અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રૂ.50,000 સહિત કુલ રૂ.6,81,000નો મુદામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુનો આચરતા પહેલા પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે રૂમાલ બાંધતો અને મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી નાખતો હતો. તેમજ સોનાના દાગીના પહેરેલ મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. ત્યારે પકડાયેલા બંને આરોપી અને મુદામાલને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.









