મોરબીના યમુના નગર નજીક આવેલ સ્મશાનમાં કચરાના ઢગલામાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે તપાસ દરમિયાન આગ લાગી રહેલ ઢગલામાં સરકારી અનાજનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉપસ્થિત થયા હતા. ત્યારે સરકારી અનાજ સ્મશાન ભૂમિમાં કોણ ફેંકી ગયું ?અને કોણે આગ લગાડી? તે મામલે નાગરિક અન્ન પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે કોંગ્રેસે પણ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ગુન્હેગારોને શોધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબીના યમુના નગર નજીક આવેલ સ્મશાનભૂમિમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિ એ સ્મશાન ભૂમિમાં પડેલ કચરામાં આગ લાગી હોવાની વાત સામે આવી હતી પરંતુ ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવતા ધુમાડો ઓછો થતા આ કચરામાં ઘઉં ચોખા અને દાળનો જથ્થો નજરે પડ્યો હતો.અહીં સરકારી અનાજની બોરીઓ મોટી માત્રામાં જોવા મળી હતી જેના પર ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર લખેલ જોવા મળ્યું હતું.પરંતુ સ્મશાનમાં સરકારી અનાજ કેવી રીતે આવ્યું કોણ અહીં નાખી ગયું? અને આગ લાગી કે જાણી જોઈને લગાડવામાં આવી તેવા સવાલો ઉભા થયા હતા.
ત્યારે ગુજરાત અને એમપીનો સરકારી અનાજનો જથ્થો એકસપાયર ડેટનો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.ત્યારે જથ્થો એકસપાયર થઈ ગયો ત્યાં સુધી નાગરિકો સુધી કેમ ન પહોંચ્યો ?અને એવી શું જરૂરિયાત ઊભી થઈ કે આ અનાજ ને સળગાવવું પડ્યું? આ તમા સવાલોના જવાબ મેળવવા મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સેમ્પલ લઇ પંચનામાં સહિતની કાર્યવહી કરી તપાસ શરૂ કરી છે. 
ત્યારે સમગ્ર મામલે કસૂરવારોને શોધવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે.


                                    






