મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક વિકસાવવા માટે ફેસ-૧ અને ફેસ-૨ના કામને મંજૂરી મળેલ છે. ખુલ્લી ડ્રેનેજ, પાણી ભરાવા અને ગંદાપાણીના ઓવરફ્લોથી ઉભી થતી સમસ્યાઓને ધ્યાને રાખી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ અંદાજિત રૂ. ૨૧.૯૪ કરોડના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈનો નાંખવામાં આવશે.
મોરબી શહેર મહાનગરપાલિકા તરીકે અપગ્રેડ થયા બાદ સતત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. જોકે શહેરના અનેક વિસ્તારોમાં હજુ ખુલ્લી ડ્રેનેજ લાઈનો હોવાથી ગંદાપાણીનો ઓવરફ્લો, અનિયમિત કનેક્ટિવિટી અને પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તૃત સર્વે કરી ડીપીઆર તૈયાર કરીને સરકાર સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ-૧માં નહેરુ ગેટથી દરબારગઢ વિસ્તાર સુધી રૂ. ૧૧.૮૪ કરોડના ખર્ચે ૨૨ કિ.મી. લાંબી ડ્રેનેજ લાઈનો નખાશે, જ્યારે ફેસ-૨માં લાયન્સનગર, મહેન્દ્રપરા, માધાપર સહિતના વિસ્તારોમાં રૂ. ૧૦.૧૦ કરોડના ખર્ચે ૧૭.૮ કિ.મી. ડ્રેનેજ લાઈનો વિકસાવવામાં આવશે. આધુનિક ટેકનોલોજી, મોટા વ્યાસના પાઈપ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા એસટીપી સાથે જોડાયેલ નેટવર્કથી મચ્છુ નદીમાં જતું ગંદુપાણી અટકાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી પાણી ભરાવામાં ઘટાડો, જાહેર આરોગ્યમાં સુધારો અને શહેરના નાગરિકોને વધુ સારી અને ટકાઉ જીવન ગુણવત્તા મળવાની મોરબી મહાનગરપાલિકાએ આશા વ્યક્ત કરી છે. તેમ યાદીમાં જણાવાયું છે.









