ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા વડાપ્રધાન મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી.પરંતુ અમુક ભ્રષ્ટ લોકો આમા પણ ગરીબોને લૂંટવામા ચુકતા નથી ! ત્યારે આજ રોજ એ.સી.બી. દ્વારા ટ્રેપ ગોઠવી પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા રૂ.40,000 ની લાંચ માંગનાર ભુજ તાલુકા પંચાયતનાં ગ્રામ સેવકને લાંચ લેતા રંગે હાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ભુજ તાલુકા પંચાયતનાં ટેકનીકલ આસીસ્ટન્ટ ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે,
મળતી માહિતી અનુસાર, ભુજના એક શખ્સને પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા ભુજ તાલુકા પંચાયતમાં અરજી કરી હતી. જે અરજી સહાય બાબતે આ શખ્સે ભુજ તાલુકા પંચાયતનાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના કરાર આધારિત ટેકનીકલ આસીસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોષીને રૂબરૂ મળતા વિશાલે આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા રૂ.૪૦,૦૦૦/- ની લાંચ માંગી હતી. અને આ રકમ ભુજ તાલુકા પંચાયતનાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલને આપવા જણાવ્યું હતું. ત્યારે આ લાંચની રકમ આ શખ્સ આપવા માંગતા ન હોય જેથી તેઓએ ભુજ એ.સી.બી.નો સંપર્ક કરતા એ.સી.બી. એ છટકાં ગોઠવી દર્શન વિષ્ણુભાઈ પટેલને લાંચ લેતા પકડી પાડ્યા હતા. જયારે ટેકનીકલ આસીસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોષી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે