શ્રી સરસ્વતી શિશુમંદિરના પ્રભાત તથા કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વ્યાકરણબાગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં સૌપ્રથમ બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વ્યાકરણબાગ ખુલ્લો મૂકવામાં આવ્યો જે નિહાળ્યા બાદ આમંત્રિત મહેમાનોનું સ્વાગતગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, અભિનવ વિદ્યાલયના સંચાલક મનોજભાઈ ઓગણજા, નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડારીયા, તપોવન વિદ્યાલયના સંચાલક અશોકભાઈ રંગપરીયા મહેમાનોમાં હાજર રહ્યા હતા. તેઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન, પ્રસ્તાવના તેમજ પરિચય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં સાહિત્યકારોનો પરિચય, ભાષાદિવસનું મહત્વ નાટક, ભાષાનું ગૌરવ વધારતી તેમજ ગુજરાતની વિશેષતા દર્શાવતી, ગામડાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ નિલેશભાઈ કુંડારીયાએ કાર્યક્રમને અનુરૂપ થોડી વાત રજૂ કરી. આ કાર્યક્રમમાં અંદાજે ૧૨૦૦ જેવી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વિદ્યાર્થીનીએ કાર્યક્રમને અનુરૂપ આભાર દર્શન કરાવી શાંતિમંત્ર બોલી સૌ છૂટા પડ્યા.