તુલસી પૂજન, બિઝનેસ કાર્નિવલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી-આચાર્ય સંમેલન જેવા ત્રિવિધ કાર્યક્રમો સાથે ઉજવાયો તુલસી દિવસ
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસની નવમી ઉજવણી ત્રિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. તુલસી પૂજન દિવસ, બિઝનેસ કાર્નિવલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી-આચાર્ય સંમેલનના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને વિવિધ સેવાકીય તેમજ ધાર્મિક સંસ્થાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષેની જેમ આ વર્ષે પણ તુલસી દિવસનો આરંભ તુલસીના પૂજન અને આરતીથી કરવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ તુલસી ક્યારાઓ માટે સંકલ્પ કર્યો. શાળાના આયોજન અંતર્ગત ૧ હજારથી વધુ તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ અવસરે અલગ અલગ ક્ષેત્રોમાં સેવા આપનાર પાંચ વ્યક્તિઓ અથવા સંસ્થાઓને તુલસી સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યા. સન્માનિત વ્યક્તિઓમાં બાબુભાઈ મહંત (સેવા), અશોકભાઈ કૈલા (શિક્ષણ), મેહુલભાઈ બાર (સુરક્ષા), ડૉ. સતિષભાઈ પટેલ (સ્વાસ્થ્ય), અને નગરપાલિકાના ડ્રાઇવર (સ્વચ્છતા) સામેલ હતા.
આ ઉપરાંત તા. ૨૪ અને ૨૫ ડિસેમ્બરના બે દિવસ દરમિયાન બિઝનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ બે ઉદ્યોગપતિઓ દિલુભા (જયદીપ કોર્પોરેશન) અને દિલીપભાઈ કુંડારીયા (વિદ્રેશ સીરામિક)ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં ૨૨ સ્ટોલ લગાવવામાં આવ્યા, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રયાસો દ્વારા ધંધા શરૂ કર્યા અને ભારતીય અર્થતંત્રના સિદ્ધાંતોને અનુસરતા ઈકો-ફ્રેન્ડલી અને પ્રદૂષણમુક્ત વ્યવસાયિક કાર્ય યોજનાને પ્રોત્સાહન આપ્યું. બે દિવસમાં ૮થી ૧૦ હજાર લોકોએ કાર્નિવલની મુલાકાત લીધી.
આ સાથે શાળાના પહેલા પાંચ બેચના (૨૦૧૭ થી ૨૦૨૧) ૫૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક દિવસોની યાદગાર ક્ષણો સંભાળી અને આચાર્યશ્રીઓ તથા શિક્ષકો સાથે ભાવવિભોર મુલાકાત કરી હતી. પોતાના વર્તમાન કારકિર્દીનો અનુભવ શેર કરતા વિદ્યાર્થીઓએ શાળાના શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રદાનને યાદ કર્યું. શાળાની સિદ્ધિઓ પર આધારિત વિશેષ વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.