વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારના પંચાસર ચોકડી નજીક સાયકલ ઉપર જઈ રહેલ દાદા-પૌત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રકના ચાલકે પોતાનો ટ્રક બેફામ ગતિએ ચલાવી સાયકલને હડફેટે લેતા ૦૨ વર્ષના માસુમ બાળક સહિત પ્રૌઢ ફંગોળાયા હતા, જે અકસ્માતમાં સાયકલ ચાલક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માસુમ બાળકને મૂંઢ ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી ટ્રક ચાલક પિતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના પેટલાદ ગામના વતની અને હાલ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે ખેત-મજૂરી કરતા જગદીશભાઈ અંબારામભાઈ ભાંબર ઉવ.૨૧ વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૯૭૨૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૯/૧૧ ના રોજ ફરિયાદીના પિતા અંબારામભાઈ સોમલાભાઈ ભાંબર અને તેમનો ૦૨ વર્ષનો દીકરો લક્કી સાયકલ ઉપર પોતાની વાડીએથી પંચાસર ચોકડી ખાતે ચા પીવા જઈ રહ્યા હોય તે દરમિયાન ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાનો ટ્રક બેદરકારીથી ચકાવી આવી સાયકલને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને દાદા-પૌત્રને ૧૦૮ મારફત વકાબેર સરકારી હોસ્પિટલ ખસેડતા, જ્યાં દાદા અંબારામભાઈને ડોક્ટરે મૃત જાહેર કર્યા જ્યારે બે વર્ષીય પૌત્રને મૂંઢ ઇજાઓની સારવાર ચાલુ કરી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક પિતાનો ટ્રક લઈને નાસી ગયો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.









