સીસી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પાણીની લાઈન, પાણીના ટાકા સહિતના કામોને મળી મંજૂરી
ટંકારા : ટંકારા નગરપાલિકા બન્યા બાદ હવે વિકાસકામો શરૂ થવા જઈ રહ્યા છે. પાલિકાના રૂ.3.15 કરોડના વિકાસકામોને મંજૂરી મળી છે. હવે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ શરૂ થશે તેવું જાણવા મળી રહ્યું છે.
સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારા અત્યાર સુધી અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા બાદ હવે નગરપાલિકા મળતા વિકાસકામોનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ લોકસભા બેઠકના સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, તત્કાલીન વહીવટદાર કેતન સખીયા, હાલના મામલતદાર ગોર સાહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની મહેનત રંગ લાવી છે.
ટંકારા નગરપાલિકાના વિવિધ સીસી રોડના કામ, પેવર બ્લોકના કામ, સ્ટ્રીટ લાઈટના કામ, પાણીની લાઈનના કામ, પાણીના ટાકાના કામ સહિતના રૂ. 3.15 કરોડના કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.હવે આગામી સમયમાં આ કામો શરૂ કરવામાં આવનાર છે. જેને પગલે નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.