મોરબી: ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળના ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા મોરબી જીલ્લામાં ૨ એકર જમીન ઉપર ૧૦ કરોડના ખર્ચે જીલ્લા વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ થવાનું છે. આજે તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે આ કેન્દ્રનું ભૂમિપૂજન વિધિવત્ પૂર્ણ થયું હતું.
મોરબી જીલ્લામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર- જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત છે, તેની મહત્ત્વાકાંક્ષી યોજનાની રૂપરેખા તરીકે મોરબીમાં અદ્યતન જીલ્લા વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે આશરે ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે, અને કેન્દ્ર ૨ એકર વિસ્તારમાં ફેલાયેલું રહેશે. આજ રોજ તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે આ કેન્દ્રના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક પ્રયોગો, વિજ્ઞાન ગેલેરી, ઇનોવેશન ઝોન, અને મોરબીની આગવી ઓળખ પ્રતિબિંબિત કરતી થીમ આધારિત ગેલેરીઓ વિકસાવવામાં આવશે. તે મોરબી જીલ્લાની જનતાને માત્ર શૈક્ષણિક જ નહીં, પણ મનોરંજક અને પ્રેરણાદાયી અનુભવ પણ આપશે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કમલેશ મોતા (મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી) તેમજ ડૉ. જ્યોતિ કટેશિયા (ડાયરેક્ટર, રિજ્યોનલ સાયન્સ સેન્ટર જામનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના કો-ઓર્ડિનેટર દિપેનકુમાર ભટ્ટ અને ડાયરેક્ટર એલ. એમ. ભટ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના શાળા વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન રસિકો માટે એક નવું આકર્ષણ અને અભ્યાસ કેન્દ્ર બની રહેશે