ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ કરચોરી કરતા એકમો પર દરોડા શરૂ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટની સીજીએસટી ટીમે ગઈકાલે મોરબી જિલ્લાના ટંકારાના બે રેકઝીન યુનીટો પર જીએસટી ચોરી મામલે દરોડાપાડી ૪૦ લાખની જીએસટી ચોરી કરાઈ હોવાનું ખુલતા ટૂંક સમયમાં રિકવરી કરાશે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ સીજીએસટી ટીમના સુપ્રીન્ટેનડેન્ટ રાજેન્દ્ર મીના, જે.ડી. પરમાર, પુરોહિત અને ઇન્સ્પેક્ટરોનો કાફલો ટંકારાના મોરબી રોડ ઉપર આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ અને શાલદીપ કોટિંગ નામના બે રેકઝીનનું ઉત્પાદન કરતા યુનિટો પર ડેટાની સઘન ચકાસણી કર્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ચકાસણી દરમિયાન આ બન્ને યુનિટો દ્વારા કિંમતમાં અંડર ઇન્વોઇસ અને બિલ વગર તૈયાર માલનું વેચાણ કરીને જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. ત્યારે રાજકોટની સીજીએસટી ટીમ દ્વારા આ બન્ને યુનિટોમાં જીએસટી અંગે ડોક્યુમેન્ટની તપાસ કરતા રૂ.૪૦ લાખની જીએસટીની ચોરી કરાઈ હોવાનો ચોકવાનારો ઘટસ્ફોટ થયો હતો. જેથી બન્ને યુનિટો પાસેથી રાજકોટની સીજીએસટી ટીમે રિકવરીની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતા હવે જીએસટી ચોરી મામલે રાજકોટની ટીમ એક્શનમાં આવી છે અને હજુ પણ આ દરોડા ચાલુ રહેવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.