ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ગોઠવવા ખેડૂતોને અનુરોધ
ચાલુ સાલ મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં કપાસ પાકનું વાવેતર થયેલ છે. કપાસ પાકમાં આવતી ગુલાબી ઈયળના નિયત્રણ માટે જરૂરી પગલાં લેવા મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને જિલ્લા પંચાયતના જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી વી.કે. ચૌહાણના જણાવ્યા પ્રમાણે મોજણી અને નિગાહ માટે હેકટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમેન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમેન ટ્રેપ દીઠ ૮ ફૂદા પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવા જરૂરી છે. કપાસમાં ગુલાબી ઇયળના ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેકટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ગોઠવવા જરૂરી છે. તેમજ ગુલાબી ઈયળના ઉપદ્રવ શરૂ થયેથી બિવેરિયા બેસિયાનાનો ૨૫ કિલ્લો/હેકટર પ્રમાણે છંટકાવ કરવો પણ જરૂરી છે. નિયત્રિત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય તથા કપાસમાં છેલ્લે અપાતું પિયત બંધ કરવું અને પાકનો અંત લાવવો.
જો ક્ષમ્યમાત્રા કરતા વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો રાસાણિક દવાઓ જેવી કે ક્વિનાલફોસ ૨૦ ઈસી ૨૦ મિલી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિલી અથવા સાયપરમેથ્રિન ૧૦ ઈસી ૧૦ મિલી, સાયપર મેથ્રિન ૨૫ ઈસી ૦૪ મિલી અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ, એમામેકટીન બેનઝોએટ ૫ એસ જી ૦૩ ગ્રામ પૈકીની કોઈ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો અને જરૂર જણાયતો અઠવાડીયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવા પણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને અનુરોધ કર્યો છે.