કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ નજીક એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઓખાના દરિયામાંથી ત્રણ દિવસમાં બીજી વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓખા પાસે દરીયામાં ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ તથા દસ પાકિસ્તાની ઈસમોને રૂ. ૨૮૦ કરોડ ના કિંમતના ૪૦ કિલો હેરોઈનના જથ્થા તથા ૦૬ વિદેશી હથિયાર, ૧૨ મેગ્ઝીન, ૧૨૦ કારતૂસ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકાર નાર્કોટીક્સ તેમજ ગેરકાયદેસર હથિયારો અંગે ઝીરો ટોલરન્સની નિતીને વરેલી છે અને નાર્કોટીક્સની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા કટિબધ્ધ છે અને ગુજરાત રાજ્યમાં તેમજ રાજ્ય બહાર દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ તથા ગેરકાયદેસર હથિયારોની ઘુસણખોરી અટકાવવા ખૂબ જ સંવેદનશીલ છે અને જે અન્વયે ગુજરાત એ.ટી.એસ.ને મળતી ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયારો અંગેની ગુજરાત સિવાયના રાજ્યોની માહિતી પણ અન્ય એજન્સીઓ સાથે શેર કરી જોઇન્ટ ઓપરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત સરકારની નિતી અન્વયે પાકિસ્તાનના નાર્કોટીક્સ કાર્ટેલ્સ અને અન્ડરવર્લ્ડ માફિયાઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈન તથા ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરવા થતા સતત પ્રયાસોને એ.ટી.એસ. ગુજરાત દ્વારા ડ્રગ્સ તથા આર્મ્સ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવવામાં આવી રહેલ છે અને આ અંગે ગુજરાત એ.ટી.એસ. સતત કાર્યરત છે.
ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. પટેલને બાતમી હકિકત મળેલ કે, “પાકિસ્તાન સ્થિત હાજી સલીમ બલોચ નામનો ડ્રગ્સ માફિયા, બલોચીસ્તાન, પાકિસ્તાનના પસની બંદરથી અલ–સોહેલી નામની પાકિસ્તાની બોટ કે જેનો ટંડેલ ઇસ્માઇલ સફરાલ, રહે. બલોચીસ્તાન, પાકિસ્તાનવાળો છે જે તેમાં હેરોઇન અને ગેરકાયદેસર હથિયાર ભરી ગુજરાતના ઓખા દરિયાકિનારા મારફતે ગુજરાતમાં ઊતારી ભારતમાં કોઈ સ્થળે મોકલવાનો છે.” જે બાતમીને ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક સુનીલ જોષી દ્વારા ડેવલપ કરી અને એટીએસ નાયબ પોલીસ મહાિનિરીક્ષક દીપેન ભદ્રન ના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.એચ.કોરાટ,જે.એમ. પટેલ, પીએસઆઈ વાય.જી.ગુર્જર અને પીએસઆઈ ડી.એસ.ચૌધરી સહિતની ટીમો બનાવીને ઓખા ખાતે રવાના કરવામાં આવી હતી. તેઓએ ઓખા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં રવાના થઇ ભારતની IMBL સીમામાં સ્થળ પર પહોંચી વોચમાં હતા.
જે દરમ્યાન ઓખા પાસે ભારતની IMBL સીમામાં બાતમીવાળી બોટ અલ-સોહેલી’ મળી આવતા તેને કોસ્ટગાર્ડની શીપ મારફતે ઘેરો કરીને રોકવામાં આવેલ હતી અને તે બાદ તેમાં એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડના અધિકારીઓએ જઈ સર્ચ કરતા આ પાકિસ્તાની બોટમાં ૧૦ પાકિસ્તાની ઈસમો ઇસ્માઇલ સફરાલ, અમાલ બલોચ, અંદમ અલી, હકિમ દિલમોરાદ, ગૌહર બક્ષ, અબ્દુલગની જાંગીયા, અમાનુલ્લહ, કાદીર બક્ષ, અલા બક્ષ અને ગુલ મોહમ્મદ (તમામ રહે. બલોચિસ્તાન પાકિસ્તાન) તેમના કબજામાં રહેલ ત્રણ સીલીન્ડર પૈકી બે સીલીન્ડર કાપી તેમાંથી રૂ. ૨૮૦ કરોડના ૪૦ પેકેટ (અંદાજે ૪૦ કિલોગ્રામ) હેરોઈન તથા એક સીલીન્ડરમાં પ્લાસ્ટીકમાં પેક કરેલી ઇટાલીયન બનાવટની ૦૬ સેમી-ઓટોમેટીક પીસ્ટલ, ૧૨ મેગ્ઝીન તથા ૧૨૦ કારતૂસ સાથે મળી આવેલ છે. જે અંગે આ તમામ ૧૦ પાકિસ્તાની – ખલાસીઓને અટક કરી તથા બોટ તથા આ હેરોઇન અને ગેરકાયદેસર હથિયાર-કારતૂસોના જથ્થાને કબ્જે કરવા અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આ હેરોઇન તથા ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા હાજી સલીમ બલોચ પાકિસ્તાનવાળાએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સ તથા હથિયારનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી ભારતમાં કોઈ વ્યક્તિને પહોંચાડવાનો હતો.
જે અંગે આ ગેરકાયદેસર ડ્રગ્સ અને હથિયારનો જથ્થો કઈ વ્યક્તિને પહોંચાડવાનો હતો તથા આ નાર્કોટીક્સ ડ્રગ તેમજ આર્મ્સ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે તથા નાણાંકીય કડીઓ શોધી કાઢવા અંગે સઘન તપાસ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ ના નેતૃત્વ હેઠળ ચાલુ છે.