ગુજરાત એ. ટી.એસ દ્વારા અન્ય રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સ મેળવનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ સાત ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ કરતાં કુલ ૪૯ લોકોની સંડોવણી ખુલવા પામી હતી. જેમણે મણીપુર તેમજ નાગાલેન્ડ રાજ્યમાંથી બોગસ હથિયાર લાયન્સ મેળવ્યાનું સામે આવ્યું હતું. જે પૈકી ૧૬ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ઈશ્યૂ થયેલ હથિયાર લાઈસન્સમાં ચેડા કરવા, જૂના હથિયાર લાઈસન્સના રેકોર્ડ્સમાં ચેડા કરવા જેવી અલગ-અલગ મોડસ ઓપરન્ડી દ્વારા બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના માસ્ટરમાઈન્ડ – નૂહ હરીયાણામાં આર્મ્સની દુકાન ધરાવનાર સોકતઅલી છોટુખાનની પણ એ.ટી.એસ. ગુજરાત દ્વારા તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ નાગાલેન્ડ ખાતેથી અટક કરી ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. આમ, ગુજરાત એટીએસે ચાર ઈસમો પાસેથી ૦૪ રિવોલ્વર તથા તેના ૧૪૧ રાઉન્ડસ અને ૦૪ 12 બોર ગન તથા તેના ૧૭૦ રાઉન્ડસ મળી કુલ ૦૮ હથિયાર સાથે ૩૧૧ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કર્યા છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના આપી હતી. જે અન્વયે નાર્કોટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ કાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. તે દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળી કે, વિશાલ પંડયા, ધ્વનિત મહેતા,અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા,શેલાભાઈ ભરવાડ, મુકેશ બામ્ભાએ હરીયાણા, નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફને ઘણી મોટી રકમ આપી તેમની પાસેથી મણીપુર તેમજ નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેમની પાસેથી હથિયારો ખરીદીને લાવ્યા હતા… તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ તેમજ હથિયારો અપાવડાવ્યાં હતા. જે આધારે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે તા. ૦૭/૦૪/૨૦૨૫ ના રોજ ગુના નં 1.૦૨/૨૦૨૫ હેઠળ આર્મસ એક્ટની કલમ નં ૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ હેઠળ કુલ સાત ઈસમો સેલાભાઇ વેલાભાઇ બોળીયા, વિશાલ મુકેશભાઇ પંડયા,અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સદામ હુસૈન, બ્રીજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા તેમજ મુકેશ રણછોડભાઈ બાંભા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની પુછપરછ દરમ્યાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડૉવણી ખૂલી હતી.જે પૈકી ૧૬ ઈસમોની અગાઉ અટકાયત કરાઈ હતી. તેમજ હથિયાર મેળવવા સાવ ખોટા હથિયાર લાઈસન્સ બનાવવા, અન્ય ઈસમોના નામે ઈશ્યૂ થયેલ હથિયાર લાઈસન્સમાં ચેડા કરવા તથા જૂના હથિયાર લાઈસન્સના રેકોર્ડ્સમાં ચેડા કરવા જેવી અલગ-અલગ મોડસ ઓપરન્ડી દ્વારા બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના માસ્ટરમાઈન્ડ – નૂહ હરીયાણામાં આર્મ્સની દુકાન ધરાવનાર સોકતઅલી છોટુખાનની પણ એ.ટી.એસ. ગુજરાત દ્વારા તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ નાગાલેન્ડ ખાતેથી અટક કરી તેને ગુજરાત ખાતે લાવવામાં આવી રહ્યો છે. ત્યારે હથિયાર મેળવનાર ગેંગના ૪૯ ઇસમો પૈકી વધુ ૧૬ ઇસમો ગોપાલ હિરાભાઇ જોગરાણા, વરજાંગ હનુભાઈ મિર, દિગેશ કરશનભાઈ સભાડ, હરી રણુભાઈ જોગરાણા, રમેશ કુંવરાભાઈ વરૂ, મયુર લક્ષમણભાઈ સોંડલા, અશોક રમેશભાઈ કલોત્રા, ભરત રમેશભાઈ અલગોતર, નથુ કાળાભાઈ બાંમ્ભવા, ઉમેશ ઉર્ફે બાબુભાઈ ડાહ્યાભાઈ આલ, રાહુલ જાગાભાઈ અલગોતર, રૂપા ખોડાભાઈ જોગરાણા ની. ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ મોડી રાત્રે તેમજ જયેશ નાનુ દેવાભાઈ સરૈયા, કનુ વનાભાઈ ગમારા, પીયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઈ દેસાઈ અને સતીસ મોહન ગમારાની તા. ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ મોડી રાત્રે ૧૧:૪૫ વાગે અટકાયત કરવામાં આવી છે. જે અટક કરેલા ઈસમો પૈકી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હતા. જેમા ૦૪ ઇસમો જયેશ ઉર્ફે નાનુ દેવાભાઈ સરૈયા, કનુ વનાભાઈ ગમારા, પીયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઈ દેસાઈ અને સતીસ મોહન ગમારા પાસેથી ૦૪ રિવોલ્વર તથા તેના ૧૪૧ રાઉન્ડસ અને ૦૪ 12 બોર ગન તથા તેના ૧૭૦ રાઉન્ડસ મળી કુલ ૦૮ હથિયાર સાથે ૩૧૧ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાયના ૧૨ ઈસમોના હથિયાર એસ.ઓ.જી. ઓફિસ સુરેંદ્રનગર ખાતે જમા કરાવ્યા છે. જેના આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે ૧૬ ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એ.ટી.એસ. ગુજરાત દ્વારા હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ ૪૦ ઇસમોની અટકાયત કરેલ છે તથા તેમની પાસેથી કુલ ૨૯ હથીયાર સાથે ૯૩૫ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કુલ ૧૦૮ ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોઈ આ કેસમાં આ સિવાય પણ ઘણાં હથિયારોની રીકવરી થવાની શક્યતા રહેલી છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ અન્ય ઈસમો અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.