ગત તા. ૦૩/૧૨/૨૦૨૨ના રોજ રાજસ્થાનના સીકર જીલ્લા ખાતે ગેંગસ્ટર રાજુ ઠેહટની ગોળી મારી હત્યા કરાઈ હતી. જેના ગુનામાં સંડોવાયેલ લોરેન્સ બિશ્નોઇ ગેંગના રોહિત ગોડારા – અમરજીત બિશ્નોઇ સાથે સંકળાયેલ આરોપીને ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. ૦૩/૧૨/૨૦૨૨ના રોજ રાજસ્થાનના સીકર જીલ્લા ખાતે ગેંગસ્ટર રાજુ ઠેહટની ગોળી મારી હત્યા કરવામાં આવેલ જેની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના રોહિત ગોડારા તથા તેના સાગરીતોએ લીધેલ તથા સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને રાજસ્થાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમને હથિયાર તથા કારતૂસો પૂરી પાડનારાઓની ઓળખ રાજસ્થાન પોલીસ દ્વારા કરવામાં આવેલ જે અન્વયે સદર ગુનામાં વોન્ટેડ આરોપી રાજસ્થાનના બીકાનેરમાં રહેતા વિજયપાલ બિશ્નોઇ ઉર્ફે ફૌજીની માહિતી રાજસ્થાન પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાથે શેર કરવામાં આવેલ જે બાતમીને વિકસીત કરી તેના ઉપર વર્કઆઉટ કરતા જાણવા મળેલ કે, આરોપી વિજયપાલ બિશ્નોઇ ઉર્ફે ફૌજી આજ રોજ બીકાજી કંપનીની ટ્રકમાં ખેડાથી બીકાનેર જવાના રસ્તે મહેસાણા ટોલ ખાતેથી પસાર થનાર છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ.ના પી.આઇ. જે. એન. ચાવડા તથા પી.આઇ. ડી. બી. બસીયાની એક ટીમ મહેસાણા જવા રવાના કરવામાં આવેલ તથા બાતમીવાળી જગ્યા પર પહોંચી બાતમીવાળી ટ્રકની વોચમાં રહેલ હોય જે દરમ્યાન ટ્રક મહેસાણા ટોલ પાસે આવતા તેને રોકી તેમાં રહેલ બન્ને ઇસમોની ઓળખ પૂછતા એક ઇસમે તેનું નામ વિજયપાલ બિશ્નોઇ ઉર્ફે ફૌજીનો હોવાનું જણાવેલ જેથી વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવેલ તેમજ આરોપીની પ્રાથમીક પૂછપરછમાં તેણે રાજુ ઠેહટની હત્યાના કાવતરાંમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરેલ છે. જે અંગે સદર આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને રાજસ્થાન પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.