જપ્ત કરવામાં આવેલ માદક પદાર્થ અલ્પ્રાઝોલમના જથ્થામાંથી ૦.૨૫ મિલી ગ્રામની ફુલ ૪૨.૮ કરોડ ટેબ્લેટ બનાવી શકાય છે.
ગુજરાત ATSની ટીમે ખંભાતમાં સપાટો બોલાવ્યો છે. ગુજરાત ATSએ ગુરુવારના રોજ અહીં અલ્પ્રાઝોલમનું ઉત્પાદન કરતી એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન રૂ.૧૦૭ કરોડના ૧૦૭ કિલો પ્રતિબંધિત ડ્રગ અલ્પ્રાઝોલમ સાથે છ લોકોની ધરપકડ કરી હતી.
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળેલ કે, આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રણજીત ડાભી, વિજય મકવાણા, હેમન્ત પટેલ, લાલજી મકવાણા તથા જયદીપ મકવાણા નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ અલ્ટ્રાઝોલમ બનાવીને અજય જૈન નામના માણસને વેચાણ આપે છે. જે બાતમીનાં આધારે એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થ માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી તેઓ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે આણંદના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી. જેમાં રૂ. ૧૦૭ કરોડનો ૧૦૭ કિલો અલ્ટ્રાઝોલમનો જથ્થો તથા ૨૫૧૮ કિલો બીજો કેમીકલ પકડી પાડ્યો છે. તેમજ આ રેઇડ દરમ્યાન રણજીત ડાભી, વિજય મકવાણા, હેમન્ત પટેલ, લાલજી મકવાણા તથા જયદીપ મકવાણા (તમામ રહે. ખંભાત, આણંદ)ની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ અલ્ટ્રાઝોલમ બનાવવા પેટે અજય જૈન તરફથી મેળવેલ રૂ. ૩૦ લાખ પણ આરોપી રણજીત ડાભી પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આરોપી રણજીત ડાભીની પોતાની સત્યમ ટ્રેડર્સ નામની ટ્રેડીંગ કંપની છે તથા વિજય મકવાણા અને હેમંત પટેલ કેમીકલની ડીગ્રી ધરાવે છે અને બન્ને અગાઉ ક્રિષાંક ફાર્મા, ખંભાત ખાતે નોકરી કરતા હતા. જેમા તેઓ સાથે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ કામ કરતા હતા. જે તમામ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, તેઓ આ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ બનાવીને અજય જૈન નામના વ્યક્તિને વેચાણ કરતા હતા. આ અજય જૈન અગાઉ પણ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમના કેસમાં પકડાયેલ કે જે ગુનાઓ NCB તથા CBN (Central Narcotics Bureau) ખાતે નોંધાયેલ હતા. CBN ના ગુનામાં અજય જૈન નાઓને ૧૬ વર્ષ કૈદની સજા ફટકારવામાં આવેલ હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, આ જપ્ત કરવામાં આવેલ અલ્પ્રાઝોલમના જથ્થામાંથી ૦.૨૫ મિલી ગ્રામની ફુલ ૪૨.૮ કરોડ ટેબ્લેટ બનાવી શકાય છે. આ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમના જથ્થા સંબંધે ગુજરાત એ.ટી.એસ. ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ગુજરાત એ.ટી.એસ. ની ટીમ દ્વારા અજય જૈનને પકડી પાડવામાં આવ્યો છે.