ગુજરાત એટીએસએ AQISના ચાર આતંકવાદીને ઝડપી પાડ્યા હતા. આ આતંકીઓને અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઇડાથી ગુજરાત એટીએસની ટીમે ઝડપ્યાં હતાં. આ ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. સોશિયલ પ્લેટફોર્મ પરથી ગુજરાત એટીએસની ટીમને ચેટ મળી હતી. ત્યારથી જ આ આતંકીઓ રડાર પર હતા અને તેમને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયનાઓને ગત તા.૧૦/૦૬/૨૦૨૫ ના રોજ બાતમી મળી હતી કે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ sharyat_ya_shahadat, f4rdeen_03, _mujahideen1, mujahideen.3 અને sefullah_muja_hid313 તેઓના અન્ય એકાઉન્ટ્સનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખોટા અને ઉશ્કેરણીજનક વાતો ફેલાવવા માટે સ્થાનિક યુવાનોને આતંકવાદી સંગઠનો અને તેમની કટ્ટરપંથી વિચારધારા તરફ આકર્ષી આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે થઈ રહ્યો છે. આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS)ના વીડિયોનો પ્રચાર-પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલ છે. તેઓ AQISની પ્રવૃત્તિઓને “ગઝવા-એ-હિંદ” ના નામે આગળ ધપાવવા ધાર્મિક હિંસા અથવા આતંકવાદી હુમલા કરવા માટે ઉશ્કેરવા અને લોકમત દ્વારા ચૂંટાયેલી લોકશાહી સરકાર સામે સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપીને અને ઇસ્લામિક શરિયતનું પાલન કરતી સરકાર અથવા ખિલાફત સ્થાપિત કરીને ભારત સામે અસંતોષ ફેલાવવા માટેની વિચારધારા ધરાવે છે.
બાતમી અંગે ગુજરાત એ.ટી.એસ. ના ઉપરી અધિકારીઓને માહિતગાર કરવામાં આવતા આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ચલાવનાર તેમજ તેમના સહયોગીઓને ઓળખવા માટે પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થના માર્ગદર્શન હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. અને આ ટીમ દ્વારા આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અંગેની માહિતી એકત્રિત કરી તપાસ કરવામાં આવી હતી, જે દરમ્યાન જાણવા મળ્યું હતું કે, પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સના વાસ્તવિક વપરાશકર્તાઓ ફરદીન શેખ, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી તથા સેફુલ્લા કુરેશી છે. ત્યારે ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કુલ ૦૪ ટીમો બનાવવામાં આવી હતી. જે તા.૨૧/૦૭/૨૦૨૫ અને ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ અલગ-અલગ ટીમોને અમદાવાદ, મોડાસા, દિલ્હી, નોઇડા ખાતે મોકલવામાં આવી હતી. અને આ ચારેય ઇસમોની દિલ્હી, નોઇડા, મોડાસા અને અમદાવાદ ખાતેથી અટકાયત કરી વધુ તપાસ અર્થે એટીએસ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. આ એક આંતરરાજ્ય ઓપરેશ હોવાથી કેન્દ્રીય એજન્સીની મદદ લેવામાં આવી હતી. તેમજ દિલ્હી ખાતે દિલ્હી સ્પેશીયલ સેલ તથા દિલ્હી પોલીસ તથા નોઇડા ખાતે યુ.પી. એ.ટી.એસ. તથા યુ.પી. પોલીસ મદદમાં રહી હતી. ત્યારે અટકાયત કરેલ ચારેય ઈસમોના કબ્જામાંથી મળી આવેલ સામાનની ઝીણવટ ભરી તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, ફરદીન શેખ પાસેથી, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ચાલવામાં આવેલા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત ભારત વિરુદ્ધ જિહાદ માટે ઉશ્કેરણી કરતું AQIS નું સાહિત્ય તથા એક તલવાર મળી આવી હતી. જયારે ફરદીન શેખના મોબાઈલ ફોનમાં એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં મોહમ્મદ ફરદીન તલવાર હવામાં લહેરાવતો દેખાય છે. વિડીયોમાં “એક આની જ કમી હતી, એ પણ પૂરી થઈ ગઈ. અલ્લા હુ અકબર.” ત્યારે આ ચારેય આરોપીઓના મોબાઇલ ફોનના ઇન્સટાગ્રામ એકાઉન્ટ્સમાંથી જિહાદ, ગઝવા-એ-હિંદ, કાફિર (ધર્મવિરોધી) વિષયક ઉશ્કેરણીજનક અને ભડકાઉ વિડિયો સામગ્રી તેમજ ધાર્મિક હિંસા અથવા આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપતી સામગ્રી મળી આવી હતી. આ ચારેય આરોપીઓએ ઇન્સ્ટાગ્રમ ઉપર ભેગા મળી અન્યોને જેહાદી પ્રચાર સામગ્રી, હિંસાત્મક વિડીયો, તથા ‘ગઝવા-એ-હિંદ’ જેવા સશસ્ત્ર બળવો માટેના ઉશ્કેરણારા ફતવાઓ સહિત ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રીનો પ્રસાર કરી તેઓને આ પ્રવૃત્તિઓમાં જોડવા માટેની કામગીરી કરી હતી. જેમાં ખાસ કરીને ભારતીય લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવીને હિંસા માટે આહ્વાન કરવાનું ઉદ્દેશિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ ફૈક દ્વારા પાકિસ્તાની ઇન્સટાગ્રામ એકાઉન્ટ gujjar_sab.111, M Salauddin Siddiqui 1360 સાથે મળી ભારતીય લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવવાની કામગીરી કરી છે. ત્યારે આ બાતમીની તપાસ દરમ્યાન કુલ ૨૫ જેટલા સંવેદનશીલ ઇન્સટાગ્રામ એકાઉન્ટની માહિતી મંગાવવામાં આવી હતી અને ગુન્હાની તપાસ માટે ૬૨ ઇન્સટાગ્રામ એકાઉન્ટની માહિતી મંગાવવામાં આવી છે. ત્યારે આ પુરાવાના આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે ‘અલ કાયદા ઈન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલ ચારેય વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ની કલમ 13, 18, 38, 39, ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ 113, 152, 196, 61 હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમા બે આરોપીઓની અટક કરી ૧૪ દિવસના રીમાન્ડ મંજુર થયા છે. તેમજ અન્ય બે આરોપીઓને અટક કરી નામ.કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી ચાલુ છે.