ઉત્તરપ્રદેશના હથિયારના બોગસ લાયસન્સના આધારે હથિયાર મેળવવાનું હાલમાં જ એક રેકેટ ઝડપાયું હતું. જેમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઉત્તરપ્રદેશનાં એટાથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મોકલનાર તથા હથિયાર મેળવનાર ગેંગના મોડયુલનો પર્દાફાશ કર્યો હતો. જે કેસમાં ગુજરાત એ.ટી.એસ.દ્વારા વધુ એક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગત તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ કુલ ૦૭ ઇસમો મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર તથા વિજયસિંહ ભૂરેસિંહ સેંગર પાસેથી ફુલ ૦૭ હથિયાર સાથે ૨૮૫ રાઉન્ડ્સ રિકવર કરી સાતેય ઇસમો વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદવા તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ તથા હથિયારો અપાવડાવાના ગુનામાં એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧(૨)(૪) તથા ૫૪, ૬૧ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબ ગુનો નોંધી સાતેઉ ઈસમો સહિત કુલ ૧૨ વ્યક્તિઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ગુનાની તપાસ દરમિયાન ભારત તથા ગુજરાત સરકારની અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત ટોપ ટુ બોટમ એપ્રોચ અપનાવી તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ.કોરોટ તથા તપાસનીશ ટીમને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, પકડાયેલ આરોપીઓએ એટાના જે.પી.ગન હાઉસ ખાતેથી ગન ખરીદી હતી. જે માટે આરોપીઓ એટા ગયેલ નથી અને જે.પી.ગન હાઉસ ખાતે તેના રજીસ્ટરમાં ખોટી સહીઓ વોન્ટેડ આરોપી દેવકાંત પાંડેએ કરી હતી. જે બાબતની જાણ હોવા છતા જે.પી.ગન હાઉસના માલિક સચિન જયપ્રકાશ ગુપ્તા (રહે- એટા, ઉત્તર પ્રદેશ)એ આરોપીઓને હથિયાર આપ્યા હતા. જે આધારે પોલીસે પકડાયેલ આરોપીઓની પુછપરછ અને હ્યુમન રિસોર્સની મદદથી આ કેસના વોન્ટેડ આરોપીઓ પૈકી સચિન જયપ્રકાશ ગુપ્તા (રહે એટા, ઉત્તર પ્રદેશ)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ દિલ્હી સ્પે.સેલ ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ થયો હોવાનું પણ સામે આવ્યું છે.