ગુજરાત એ.ટી.એસ. અને ડી.આર.આઇ.અમદાવાદની ટીમ દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ગેરકાયદેસર સાચવેલો સોનાનો ખજાનો શોધી કાઢ્યો છે. ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળી કે વિદેશથી દાણચોરી કરેલુ સોનું છુપાવવામાં આવ્યું છે. જ્યાં રેઇડ કરી ગેરકાયદેસર ૮૭.૯૨૦ કિલો Gold Bars, ૧૯.૬૬૩ કિલો ઝવેરાત મળી ૧૦૭.૫૮૩ કિલો સોનું/ઝવેરાત, ૧૧ લક્ઝરી ઘડીયાલો સહિત કુલ ૧૦૦ કરોડથી વધારેનો મુદ્દામાલ તેમજ રૂ. ૧.૩૭ કરોડ રોકડા ઝડપી પાડવામાં આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી મળી કે, અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલ આવિશ્કાર એપાર્ટમેન્ટ-૩ના ફ્લેટ નં. ૧૦૪માં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોરી કરેલુ સોનું છુપાવવામાં આવ્યું છે. જે બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ બાતમી ડી.આર.આઇ.ની અમદાવાદ ઝોનલ યુનીટ સાથે શેર કરવામાં આવી હતી. તેમજ આ બાતમીને વિવિધ રીતે ડેવેલપ કરાઈ હતી. જે અન્વયે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર એન.આર.બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.સોલંકી તેમજ કર્મચારીઓની ટીમ અને ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં બાતમીવાળી જગ્યા ભાડા પેટે મેઘકુમાર શાહ, રહે. મુંબઈ વાળાને આપી હોવાનું માલુમ પાડતા તેઓના સગા-સંબંધીને સાથે રાખી ફ્લેટની બારીકાઇથી ઝડતી લેતા તેમાંથી ૮૭.૯૨૦ કિલો Gold Bars, ૧૯.૬૬૩ કિલો ઝવેરાતો અને ૧૧ મોંઘી ઘડીયાલો એમ કુલ મળી રૂ. ૧૦૦ કરોડથી વધરેનો મુદ્દામાલ તેમજ રોકડા રૂ. ૧,૩૭,૯૫,૫૦૦/- મળી આવતા ત્યાં હાજર મેઘકુમાર મહેન્દ્ર શાહના સગા-સંબંધીઓને પુછતા તેઓ કોઇ આધાર-પુરાવા રજુ કરી શક્યા ન હતાં. ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટ દ્વારા વિગતવારનું પંચનામું કરી આ તમામ મુદ્દામાલ કબ્જે કરી કસ્ટમ્સ એક્ટની ક. ૧૨૩ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમ્યાન સદર કબ્જે કરવામાં આવેલ ૮૭ કિલો Gold Bars પૈકી પર કિલો Gold Bars ઉપર ફોરેન માર્ક મળી આવ્યો છે જે સીધી રીતે વિદેશથી દાણચોરી દ્વારા મેળવેલ હોવાનું દર્શાવે છે. તેમજ વધુમાં, આ રેઈડ દરમ્યાન હાજર મેઘકુમાર શાહની બહેનના જણાવ્યા મુજબ મેઘકુમાર શેર ટ્રેડીંગ બીઝનેસ સાથે સંકળાયેલ છે અને હાલ મુંબઈમાં રહે છે. જે માહિતી એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે..