સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. તહેવારો પહેલા જ બજારમાં ઓરિજીનલ ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા એક શખ્સની ગુજરાત એ.ટી.એસ. પોલીસે ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ની ટીમને બાતમી મળી હતી કે, સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી પશ્ચીમ બંગાલ ખાતેથી રૂ.૫૦૦ ના દરની ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરી ભારતીય અર્થતત્રને ખોખલું કરવાના ઇરાદે લઇ આવી પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનમાં તા.૨૨/૦૭/૨૦૨૫ ના રોજ સુરત ઉધના રેલ્વેસ્ટેશન ખાતે આવનાર છે. જે બાતમીના આધારે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે રેઈડ કરી સત્યનારાયણ દેવીલાલ તેલી પાસેથી કુલ ૩૧૯ નોટો રૂ.૫૦૦/-ના દરની રૂ.૧,૫૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે આધારે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમો ૧૭૯,૧૮૦, તથા ૬૧(૨) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે, આરોપી સત્યનારાયણએ રૂ.૫૦૦/-ના દરની કુલ ૩૧૯ નકલી ચલણી નોટો, રૂ.૫૯,૦૦૦/- અસલી ચલણી નોટોના બદલામાં પશ્ચિમ બંગાળના ઇસમ પાસેથી મેળવેલ હતી. જે બાદ આરોપી આ બનાવટી ચલણી નોટો ટુકડે ટુકડે સર-સામાનની ખરીદી કરી બજારમાં ફરતી કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.