નાગાલેન્ડ અને મિઝોરમમાંથી હથિયારોના બોગસ લાયસન્સના આધારે હથિયાર મેળવવાના મોટા રેકેટનો હાલમાં જ ગુજરાત એટીએસ એ પર્દાફાશ કર્યો હતો. તેવામાં હવે ઉત્તરપ્રદેશના હથિયારના બોગસ લાયસન્સના આધારે હથિયાર મેળવવાનું એક રેકેટ ઝડપાયું છે. ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઉત્તરપ્રદેશનાં એટાથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મોકલનાર તથા હથિયાર મેળવનાર ગેંગના વધુ એક મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળેલ કે, મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર તથા વિજયસિંહ ભૂરેસિંહ સેંગરે ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના શ્યામસિંહ ઉર્ફે રાજુ હુકમસિંહ ચૌહાણ તથા શ્યામસિહ ઠાકુરની મદદથી દેવકાન્ત પાન્ડેને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે ઉત્તરપ્રદેશના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદી લાવ્યા છે. તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ તથા હથિયારો અપાવડાવેલ છે. જે માહિતીને લઈ એ.ટી.એસ. ટીમ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવતા તેમજ ઈસમોની પુછપરછ અને પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, ગુજરાતના ઘણા માણસોએ વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ના સમયગાળા દરમ્યાન યેનકેન પ્રકારે ઉત્તરપ્રદેશના એજન્ટ દેવકાન્ત પાન્ડે મારફતે ઉત્તરપ્રદેશ ખાતેથી ખોટા હથિયાર લાયસન્સો બનાવી હથિયારો મેળવેલ છે. જે માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસ.ની અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમ્યાન ૦૭ ઇસમો પાસેથી ૦૩ રિવોલ્વર તથા તેના ૧૮૭ રાઉન્ડસ અને ૦૪ પિસ્ટલ તથા તેના ૯૮ રાઉન્ડસ મળી કુલ ૦૭ હથિયાર સાથે ૨૮૫ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. જે આધારે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે મુકેશસિંહ, અભિષેક, વેદપ્રકાશસિંહ, રાજેન્દ્રસિંહ, અજય, શોલેસિંહ તથા વિજયસિંહ વિરુદ્ધ તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯,૩૪૧(૨)(૪) તથા ૫૪, ૬૧ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એ.ટી.એસ. દ્વારા ઈસમોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તમામ ઇસમો તેઓના હથિયાર લાયસન્સમાં જણાવેલ એટાના સરનામે કોઇ દિવસ રહેવા કે વેપારધંધો કે નોકરી કરવા ગયેલ નથી. તેમજ તેઓએ હથિયાર લાયસન્સ મેળવવા માટે એટા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ઈન્ટરવ્યુ આપેલ નથી. આ ઉપરાંત તમામ આરોપીઓ પૈકી કોઇની પણ હથિયાર મેળવ્યા બદલની કોઈ ગન હાઉસ રજિસ્ટરમાં સહિ કરેલ નથી. ત્યારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુનામાં અન્ય બે ઈસમો શ્યામસિંહ રાજેન્દ્રસિંહ ઠાકુર તથા હિમ્મતસિંહ કમલાકરસિંહ રાજપુતની અટકાયત કરી પુછપરછ શરુ કરવામાં આવી છે. તેમજ આ રીતના ગુનાઓમાં સંડોવાયેલ અન્ય ઇસમો વિરુદ્ધ સઘન તપાસ શરુ કરવામાં આવી છે