મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જે કેસમાં પોલીસે અત્યારસુધીમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ આરોપીઓ અગાઉ જામીન મુક્ત થયા હતા. જે બાદ આજે વધુ બે આરોપીઓ મહાદેવ સોલંકી અને મનસુખ ટોપીયાને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અને ગુજરાત હાઈકોર્ટે બંને આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે.
મોરબી ઝુલતા પુલ દૂર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી પહેલા ત્રણ બાદ હવે વધુ બે આરોપીઓના નિયમિત જામીન મંજુર થયા છે. જેમાં આરોપી મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા ની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે આ બન્ને આરપીઓ બ્રીજના ટિકિટ વિતરણ અને કલેક્શનનું કામ કરતા હતા. બંને આરોપીઓ પર લાગેલ સદોષ માનવ વધની કલમ પ્રાથમિક રીતે ખોટી હોવાનું હાઇકોર્ટ એ મૌખિક અવલોકન હતું. જોકે હુકમમાં આ મુદ્દે કોર્ટે કોઈ નોંધ ના કરી, એ અંગેનો નિર્ણય ટ્રાયલ કોર્ટ અથવા અન્ય સક્ષમ અદાલતના કાર્યક્ષેત્રનો વિષય હોવાથી હાલ આ મુદ્દે કોર્ટે કોઈ અવલોકન કર્યું નથી. જયારે બંને આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. ત્યારે મૃતકોના પરિવારજનોએ અરજીનો વિરોધ કરી ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરાયું હતું જેના કારણે પુલ ઉપર ભીડ વધી હોવાનો આરોપ લગાવ્યો હતા.