ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી સરકારની મનશા પર અનેક સવાલ ઉઠાવ્યા છે.
ટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ સરકારની મંસા પર અનેક સવાલ ઉઠાવ્યા છે. આટલું જ નહિ તેઓએ પત્રમાં ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકને પણ આડે હાથે લીધા છે. અને ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલતી હોવાના આક્ષેપ લગાવ્યા છે. પત્રમાં તેઓએ લખ્યું છે કે, વર્ષ 2024-25 માટે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાત સાથે 11 નવેમ્બર 2024 થી 160 ખરીદ કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી હતી રાજ્યમાં કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આજે બે મહિના વીતવા છતાં કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદી સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન જ મગફળી ખરીદી રાજ્ય સરકાર કરી શકી નથી. એટલે કે, ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી એ 2 મહિને પણ માત્ર 20% કામગીરી પૂર્ણ કરી છે. આ જ ગતિએ કામ ચાલે તો બાકી રહેતો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે.
પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 160 કેન્દ્ર પર રોજ 100 ખેડૂતોની નિયમિત ખરીદી કરી હોત તો 20-25 દિવસમાં ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત. વેપારીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ થાય એવી નીતિથી ખરીદી પ્રક્રિયા ચાલે છે. તેમાં પણ ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહ્યું છે. બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોના અભાવ જેવા બહાના હેઠળ ખરીદી 33% દિવસમાં ખરીદી બંધ રહે છે. સરકાર ખરીદી કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે અમલ ગોકળગાય ગતિએ થાય છે. તેઓએ એવા આક્ષેપો પણ કર્યા છે કે, અધિકારીઓને 1% પણ આયોજન આવડતું નથી અથવા યોગ્ય આયોજન ઈરાદા પૂર્વક કરતા નથી. મુખ્યમંત્રી, કૃષિમંત્રી પણ અધિકારીઓની ચૂંગલમાં ફસાયેલા હોય એમ લાગે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટેકાના કેન્દ્ર પર ખેડૂતો વાતો કરતા હતા કે “”પોપા બાઈનું રાજ આપણે જોયું નહોતું માત્ર સાંભળ્યું જ હતું પરંતુ આ ભોપા ભાઈ નું રાજ જોઈએ છીએ એટલે પોપા બાઈ નું રાજ સમજી શકાય છે કે એ પોપા બાઈનું રાજ કેવું હશે”’ જેમ સરકાર ખરીદીની જાહેરાતો મુજબ અમલ કરવામાં નિષ્ફળ ગઈ એ જ રીતે ખેડૂતોની ખરીદાયેલ મગફળીના રૂપિયા એક અઠવાડિયામાં આપવાના વાયદામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે કેમ કે કેટલાયે ખેડૂતો છે જેની મગફળી એક દોઢ મહિના પહેલા ટેકાના ભાવે ખરીદાઈ ગયેલ હોવા છતાં દોઢ – દોઢ મહિનાનો સમય વીતવા છતાં આજે પણ એમને રૂપિયા મળેલ નથી. જેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ઝડપ વધારવામાં આવે અને ખેડૂતોને વિના વિલંબે તેમના રૂપિયા આપવામાં આવે. તેવી પાલ આંબલિયાએ માંગ કરી છે.