નવી દિલ્હીમાં યોજાયેલી CCRT ની રાષ્ટ્રીય વર્કશોપમાં ગુજરાતની ટીમે પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી કલાત્મક રજૂઆત કરીને વિશેષ પ્રશંસા મેળવી છે. આ વર્કશોપમાં દેશના 9 રાજ્યોના 53 શિક્ષકો જોડાયા હતા, જેમાં ગુજરાતના શિક્ષકોએ પોતાની લોકકલા અને પરંપરાની આગવી ઓળખ રજૂ કરી હતી.
નવી દિલ્હી ખાતે સ્થિત Centre for Cultural Resources and Training (CCRT) દ્વારા આયોજિત “Role of Schools in Conservation of Nature & Cultural Heritage” વિષયક રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપમાં ગુજરાતની ટીમે પોતાની આગવી છાપ ઉભી કરી છે. તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના 9 રાજ્યોના કુલ 53 શિક્ષકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ શાળાઓ દ્વારા કુદરતી પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું જતન કેવી રીતે કરી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો હતો. ગુજરાતના પ્રતિનિધિ શિક્ષકો દ્વારા રજૂ કરાયેલ વિશેષ સાંસ્કૃતિક કૃતિએ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના ગાઢ સંબંધને સુંદર રીતે ઉજાગર કર્યો હતો. લોકકલા, પરંપરા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા દ્વારા ગુજરાતની સમૃદ્ધ ધરોહર જીવંત બની હતી. ગુજરાત ટીમમાં કાજલ મકવાણા, ખ્યાતિ ગર, સરવૈયા હિમાંશુ એમ., રાજ અરૂણકુમાર જે. તથા ડો. કિરીટ સોમૈયાનો સમાવેશ થયો હતો. તેમની પ્રસ્તુતિને ઉપસ્થિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ અને મહાનુભાવોએ પ્રશંસાપૂર્વક બિરદાવી હતી. આ વર્કશોપ શિક્ષકોને પર્યાવરણપ્રેમી અને સંસ્કૃતિના સંરક્ષક તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









