વાત્સલ્ય ફાઉન્ડેશન – મહેસાણા આયોજીત નગરપાલિકા ટાઉનહોલ મહેસાણા ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ અને નાવિન્ય સભર રીતે શૈક્ષણિક કાર્ય કરનાર મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું “ગુરુ વંદના” કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાત્સલ્ય ફાઉન્ડેશન – મહેસાણા આયોજીત નગરપાલિકા ટાઉનહોલ મહેસાણા ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ અને નાવિન્ય સભર રીતે શૈક્ષણિક કાર્ય કરનાર ગુરુજનોની પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી ગુરુજનોના સન્માન માટે રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં “ગુરુ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક કમિટી દ્વારા સન્માનીય શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તેમજ મોરબી જિલ્લામાંથી મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને ખાખરાળા ગામના વતની શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાનું રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષણમંત્રીએ જણાવેલ કે, સૌથી શ્રેષ્ઠ કાર્ય હોય તો તે શિક્ષકનું છે. જે અનેક બાળકોનું ધડતર કરે છે માટે દરેક શિક્ષકોનું સન્માન થાય એવી શુભકામના પાઠવું છુ. અશોકકુમાર કાંજીયા દ્વારા કોરોના સમયે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણની સાથે સાથે બાળકો જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવતી હતી, જે ટેસ્ટ ગુજરાતનાં મોટાભાગના જિલ્લાના બાળકો આપતા હતા. આ ઉપરાંત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ તેમજ તેઓએ જીલ્લામાં વિવિધ પ્રકારના ઇનોવેશન અને વિવિધ મૂલ્યાંકન કામગીરી પણ કરેલ છે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા રહે છે. જે છેલ્લા ૮ વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે. તેમના આ કાર્યો માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના સંસદસભ્ય, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.