માત્ર ૩૦ મિનિટ બંધ ઘરમાંથી ૨.૬૬ લાખના સોનાના દાગીનાની ચોરી
હળવદના સોનીવાડમાં રહેતો વિપ્ર પરિવાર ઘર બંધ કરી પોતાના વિસ્તારમાં પંડાલમાં બેસાડેલ ગણપતિબાપાના દર્શન કરવા ગયાને પાછળથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘરના મુખ્ય દરવાજેથી પ્રવેશ કરી રૂમમાં સેટીમાં રાખેલ સોનાના કુલ આશરે ૫૩ ગ્રામના ઘરેણાની ચોરી કરી લઈ ગયા હતા. હાલ હળવદ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ ટાઉનમાં સોનીવાડમાં રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવે ઉવ.૫૨ એ હળવદ પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે રાજેન્દ્રકુમાર તથા તેમનો પરિવાર ગઈ તા.૦૭/૦૯ના રોજ રાત્રીના ૮ વાગ્યે પોતાના વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરેલ હોય ત્યાં મકાન બંધ કરીને દર્શન કરવા ગયા હોય જ્યાંથી ૮.૩૦ વાગ્યે પોતાના ઘરે પરત આવ્યા હતા. ત્યારે માત્ર ૩૦ મિનિટના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમ ઘરનો મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરીને રૂમમાં શેટી પલંગમાં ગાદલા નીચે થેલામાં રાખેલ સોનાની વીંટી ૨ નંગ, સોનાની ચાર નંગ બુટી તથા એક મંગળસૂત્ર સહિત કુલ ૫૩ ગ્રામ જેની કિ.રૂ.૨.૬૬ લાખ હોય તેની ચોરી કરી લઈ ગયા હોય. હાલ હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપી અજાણ્યા ચોર ઇસમને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.