હળવદ ટાઉનમાં બે દિવસ પહેલા ભૂંડ પકડવા બાબતે વાંકાનેરમાં રહેતા શખ્સને ૬ શખ્સો દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરમાં રહેતા શીખ દ્વારા પોતાના દીકરા સહિતનાઓ સાથે હળવદ ટાઉનમાં ભવાની ઢોરા પાસે ભૂંડ પકડવા ગયા હતા ત્યારે હળવદ સ્થિત રહેતા શીખ દ્વારા પોતાના સાગરીતો સાથે આવી વાંકાનેરના શીખ સાથે બોલાચાલી કરી ‘અમારા વિસ્તારમાં ભૂંડ પકડવા કેમ આવ્યા છો’ કહી તલવાર,ધોકા-પાઇપ તથા ઢીકાપાટુનો માર મારી વાંકાનેરના શીખને ગંભીર ઇજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ઘાયલ વાંકાનેરના શીખને પ્રથમ હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓએ કુલ ૬ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર આર.કે.નગર(નવાપરા) વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા ઉવ.૩૭ ગઈ તા. ૧૨/૧૧ના રોજ તેમના દિકરા મનીંદ્રસિંઘ અને અન્ય સગાસંબંધીઓ સાથે ભુંડ પકડવા માટે હળવદ ભવાનીનગર ઢોરા ખાતે ગયા હતા. ત્યારે તે સમયે આરોપી પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક રહે.હળવદ એક પીકઅપ ગાડીમાં તેમની સાથેના આરોપીઓ ત્રીલોકસિંઘ, હરનામસિંઘ, બલદેવસિંઘ, અમરસિંઘ અને જોગીન્દ્રસિંઘ તમામ રહે. હળવદવાળા સાથે ત્યાં પહોંચ્યા અને તેમની ગાડી મહેન્દ્રસિંઘની ગાડી સાથે ટક્કર મારી ગાડીમાં નુકસાની કરી હતી.
ત્યારે આરોપી પ્યારાસિંઘે “અમારા વિસ્તારમાં કેમ ભુંડ પકડવા આવો છો?” તેમ કહી બોલાચાલી શરૂ કરી. આરોપી ત્રીલોકસિંઘ અને અન્ય આરોપીઓ લાકડાના ધોકા અને લોખંડના પાઈપ સાથે ગાડીમાંથી ઉતર્યા અને આરોપી પ્યારાસિંઘે તલવાર કાઢીને મહેન્દ્રસિંઘ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી ત્રીલોકસિંઘ, હરનામસિંઘ, બલદેવસિંઘ અને અમરસિંઘે પણ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી મહેન્દ્રસિંઘને ઇજા પહોંચાડી હતી.
ઘટના દરમિયાન ભયના કારણે મહેન્દ્રસિંઘ સાથે આવેલા અન્ય લોકો ભાગી છૂટ્યા હતા. જે બાદ આરોપી પ્યારાસિંઘે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારે સ્થળ ઉપર આજુબાજુ રહેતા લોકો એકઠા થઇ જતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા, હાજર લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત મહેન્દ્રસિંઘને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ હળવદ બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં મહેન્દ્રસિંઘને શરીરે ટાંકા તથા ફ્રેકચરની સારવાર ચાલુ હોય હાલ મહેન્દ્રસિંઘ દ્વારા તેના ઉપર હુમલો કરનાર છ આરોપીઓ સામે હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.