હળવદ નજીક એસએમસીની ટીમે રૂ.૧૧ લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતરાત્રીના હળવદ અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામ સામે આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાંથી મધ્યપ્રદેશથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઇ આવનાર ટ્રકને ઝડપી લઈ ૧૧ લાખથી વધુ કિંમતના દારૂ બિયર સાથે એક શખ્સને દબોચી લઈ ૨૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગત મુજબ, અમદાવાદ -હળવદ હાઇવે ઉપર સુખપુર ગામ સામે આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરનાર હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતરાત્રીના હોટલ રામદેવના પાર્કિંગમાં દરોડો પાડી એમપી – 45 – ઝેડડી -9250 નંબરના ટ્રકને ઝડપી લઈ ટ્રકની તલાશી લેતા ટ્રક ચાલક આરોપી અનિલ મંગુભાઇ મેડા રહે.નાની પીટોલ, મધ્યપ્રદેશના કબ્જામાંથી વિદેશી દારૂ અને બિયરનો રૂપિયા 11.04 લાખની કિંમતનો વિદેશી દારૂનો 7440 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીની ટીમે આ મામલે હળવદ પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 26.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમા જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ – હળવદ હાઇવે ઉપર સુખપર ગામ સામે આવેલ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાવા મામલે એસએમસીએ આરોપી ટ્રક ચાલક અનિલ મંગુભાઇ મેડાની આગવી ઢબે પૂછતાછ કરતા અન્ય આરોપીઓમા મધ્યપ્રદેશ સેન્જલીના મહેશ નિનામાં, કૈલાશભાઈ રત્નાભાઈ ખરાડી રહે.મેઘપર, નાની પીટોલ મધ્યપ્રદેશના નામ ખુલ્યા છે, સાથે જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનાર તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.