હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર સરા ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં રસ્તો ઓળંગીને જઈ રહેલા મૂળ મહીસાગર જીલ્લાના ડોલીલીંબડી ગામના વતની એવા ખેત-શ્રમિકને પુરપાટ ગતિએ આવતા ટ્રકે હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, જેમાં ખેત-શ્રમિકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. ત્યારે મૃતકના ભત્રીજા દ્વારા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતના બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ડોલીલીંબડી ગામના વતની હાલ કચ્છના ગુણાતીતપુર ગામે તુલસીભાઈ રૂઢાણીની વાડીએ ખેત મજૂરી કરતા રાકેશભાઈ સોમાભાઈ પટેલીયા અને તેમના પત્ની ગઈ તા.૧૯/૦૩ના રોજ ગુણાતીતપુર થી પોતાના વતન મહીસાગર જીલ્લાના ડોલીલીંબડી ગામ જવા ભુજ-દાહોદ એસટી બસમાં નીકળ્યા હતા, ત્યારે સાંજના સાડા સાત વાગ્યે એસટી બસ હળવદ ક્રિષ્ના હોટલે ઉભી રહેતા રાકેશભાઈ તેમાંથી ઉતરી સરા ચોકડીએથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૪૪૦૯ના ચાલકે પોતાનો ટ્રક ફુલસ્પીડમાં ચલાવી આવી રાકેશભાઈને હડફેટે લેતા, તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન અકસ્માત સ્થળેથી લઈને ભાગી ગયો હતો. હાલ મૃતકના ભત્રીજા સતિષકુમાર લાલાભાઈ પટેલીયાની ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.