હળવદ-મોરબી હાઇવે ઉપર ચરાડવા ગામ નજીક વધુ એક અકસ્માતની ઘટનામાં ટાઇલ્સના બોક્સ ભરેલ ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડમાં ચલાવી રોડ ઉપર કાવું મારતા ટ્રક પલટી મારી ગયો હતો, ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલ બાઇક ચાલક ટાઇલ્સના બોક્સ નીચે દબાઈ ગયો હતો. ગંભીર અકસ્માત બાદ સ્થાનિકોએ બાઇક ચાલક યુવકને બહાર કાઢી ૧૦૮ મારફત ચરાડવા સરકારી હોસ્પિટલ બાદ મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતક યુવકના બગાઈની ફરિયાદને આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, હળવદના કડીયાણા ગામની સીમમાં દેરાસરની વડીઓમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઇ શિહોરા ઉવ.૩૫ એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૪/૧૧ના રોજ તેમના નાનાભાઈ અજયભાઈ બાબુભાઇ શિહોરા પોતાનું મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એકે-૨૦૯૪ લઈને સીરામીક કારખાનાની પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત આવતા હતા ત્યારે ચરાડવા ગામ નજીક ધાવડી પેટ્રોલપંપ સામે રોડ ઉપર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ટ્રક રજી.નં. આરજે-૦૨-જીબી-૪૪૨૮ ના ચાલકે પોતાનો ટાઇલ્સના બોક્સ ભરેલ ટ્રક ફૂલ સ્પીડે ચલાવી આવી ગફલતભરી રીતે કાવુ મારતા ટ્રક પલટી મારી ગયો હતો, જેથી તે સમયે તેની બાજુમાંથી પસાર થઈ રહેલા અજયભાઈ મોટર સાયકલ સાથે ટાઇલ્સના બોક્સ નીચે દબાઈ ગયા હતા.
અકસ્માત બાદ સ્થાનિકોએ તુરંત અજયભાઈને બોક્સ નીચેથી બહાર કાઢ્યા હતા, ત્યારે અજયભાઈનો એક પગ છૂંદાઈ ગયો હતો બાદમાં ૧૦૮ મારફત પ્રથમ ચરાડવા સરકારી હોસ્પિટલ બાદ વધુ સાઈવર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન અજયભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ હળવદ પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









