હળવદ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગૌવંશની હત્યા થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે હળવદના હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ સંગઠનોએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ હળવદ પોલીસ દ્વારા હળવદ જી.આઇ.ડી.સી વિસ્તારમાં રોશની કેમ કારખાનામાંથી ગૌવંશના કતલના ગુનામાં સંડોવાયેલ કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષક દ્વારા ગઈકાલે તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ ગૌવંશ કતલ અંગેની ફરીયાદ નોંધાવી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓ પકડવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં હળવદ પોલીસ દ્વારા ગુન્હામાં સંડોવાયેલ અલીમશા ફકીરશા સૈયદ, આમીનખાન નસીરખાન સૈયદ, મુન્તાજઅલી ઉર્ફે યુનુશ સુલતાનઅલી સૈયદ, અનીશા નઇદઅલી સૈયદ, સલમા રાજઅલી શમસેરઅલી સૈયદ, રૂકશાર આમીન સૈયદ, ઇકબાલ જમાલભાઇ તકવાડીયા તથા યાસીનભાઇ રહીમભાઇ ઘોણીયા નામના કુલ ૮ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









