માલધારી શખ્સે ઝાટકાના તાર લાકડીથી તોડી કર્યું નુકસાન
હળવદમાં બટુક કુવાના માર્ગ ઉપર આવેલ વાડીમાં વાવેલ જીરુંના મોલને ભૂંડ અને અન્ય પશુઓથી રક્ષણ માટે વાડીની ફરતે સોલાર ઝાટકા લગાવેલ હોય ત્યારે પોતાના બકરા લઈને ચરાવવા આવેલ શખ્સે વાડીના માલીક પ્રૌઢ ખેડૂતને આ ઝાટકા બંધ કરવાનું કહેતા ખેડૂતે ઝાટકા બંધ કરવાની ના પાડેલ હોય જેથી માલધારી શખ્સે ખેડૂતને બેફામ ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી, લાકડી વડે ઝાટકાના તાર તોડી નુકસાની કરી હતી, ત્યારે સમગ્ર બનાવ બાબતે ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકમાં માલધારી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ગોરી દરવાજા પાસે વાલાજીના ચોરા પાસે રહેતા ત્રિભોવનભાઈ રામજીભાઈ ધારીયા પરમાર ઉવ.૫૦ એ હળવદ પોલીસ મથકમાં આરોપી રાજુભાઇ ઇન્દુભાઈ ભરવાડ રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૧/૦૩ ના રોજ હળવદ તક્ષશિલા સ્કૂલ પાસે બટુક કુવાના માર્ગ ઉપર આવેલ વાડીએ ત્રિભોવનભાઈ, તેમના પત્ની અને બે ભાઈઓ સાથે ત્યાં હતા તે દરમિયાન આરોપી રાજુભાઇ પોતાના બકરા ચરાવવા ત્રિભોવનભાઈની વાડીના શેઢે આવ્યા હતા અને કહેવા લાગ્યા કે દિવસે ઝાટકો બંધ કરી દેવાય જેથી ત્રિભોવનભાઈએ કહ્યું કે ભૂંડ અને માલઢોરનો ત્રાસ હોય જેથી ઝાટકો બંધ નથી કરતા તેમ જણાવતા તુરંત આરોપી ઉશ્કેરાઈને ત્રિભોવનભાઈને અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે રહેલ લાકડી વડે ઝાટકાના તાર તોડી નાખ્યા હતા, જે મુજબની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી માલધારી રાજુભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.