હળવદમાં શ્રીધર જીન નજીક આવેલ વાડીના ખેતરમાં ગાયો ચરાવાની ના પાડતા ખેડૂતને બે માલધારી ઈસમો દ્વારા ગાળો આપી માર મારવામાં આવ્યો હતો તેમજ ખેડૂતની ફોરવ્હીલનો કાચ તોડી ધમકી અપાઈ હતી. હાલ ભોગ બનનાર ખેડૂતની ફરિયાદને લઈને હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુદિયા ઉવ.૪૫ ગઈકાલ તા.૩૧/૦૭ના રોજ બપોરના અરસામાં પોતાના ઘરે જમવા આવ્યા હતા, ત્યારે શ્રીધર જીન પાછળ આવેલ તેની વાડીએથી ખેત-મજૂરનો ફોન આવેલ કે દાડમના ખેતરમાં બે માલધારે શખ્સો પોતાની ગાયો ચરાવવા મૂકી દીધી છે, તમે ખેતરે આવો. જે બાદ મુકેશભાઈ પોતાની ફોરવ્હીલમાં બપોરે લગભગ દોઢેક વાગ્યે ખેતરે પહોંચ્યા હતા.
ખેતરમાં પહોંચ્યા બાદ, મુકેશભાઈએ આરોપી ધનજીભાઈ ઉર્ફે ધનો બલાભાઈ સોરીયા તથા સામંતભાઈ ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા બન્ને રહે. હળવદ ખારીવાડી વાળાને પોતાના ખેતરમાંથી ગાયો ચરાવવાની ના પાડતા બન્ને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ મુકેશભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા. ત્યારે આરોપી ધનજીભાઈએ મુકેશભાઈનું ગળું અને કાંઠલો પકડી માર માર્યો હતો અને પછી લાકડી લઈ મુકેશભાઈની ફોરવ્હીલ ગાડીના આગળના કાચમાં મારતા, કાચ તોડી નુકસાની કરી હતી. જે બાદ બન્ને આરોપીઓ પોતાની ગાયોને ખેતરમાંથી લઈને જતા-જતા ધમકી આપી હતી કે હવે પછી ગાયો ચરાવવાની ના પાડી તો જાનથી મારી નાખીશું જેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ હુમલાના બનાવ અંગે મુકેશભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.